રિયો ડિ જાનેરિયોઃ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયરના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. આ જાણીતા સ્ટ્રાઇકર પર પેરિસમાં મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. તેનો ખુલાસો બ્રાઝિલિયન મીડિયાએ કર્યો છે. જોકે, નેમારના પિતા અને મેનેજરે આ આરોપને ખોટા ગણાવ્યા હતા અને તેને  બ્લેકમેઇલિંગનો આઇડિયા ગણાવ્યો હતો. નોંધનીય છે કે નેમાર હાલમાં બ્રાઝિલમાં છે અને કોપા અમેરિકાની તૈયારી કરી  રહ્યો છે.

સાઓ પાઉલો પોલીસ દ્ધારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, નેમાર પર પીડિતાની અસહમતિ છતાં હિંસક યૌન સંબંધ બનાવવાનો આરોપ છે. જોકે. સાઓ પાઉલો પોલીસે આ ફરિયાદની કોપીને ગોપનિય ગણાવીને મીડિયાને આપવાનો ઇનકાર કર્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, પીડિતા બ્રાઝિલની છે. સોશિયલ મીડિયા મારફતે તેની મુલાકાત નેમાર સાથે થઇ હતી. ચેટિંગ દરમિયાન નેમારે મે મહિનામાં તેને પેરિસ આવીને મળવા કહ્યુ હતું. ફરિયાદ પ્રમાણે, નેમાર નશાની હાલતમાં હોટલ પહોંચ્યો હતો અને બંન્ને વચ્ચે વાતચીત થઇ હતી. ત્યારબાદ આક્રમક થઇ ગયો હતો અને યુવતીની સહમતિ વિના જાતીય સંબંધ બનાવવા માટે હિંસાનો ઉપયોગ કર્યો હતો.

નેમારના પિતા નેમાર સાંતોસે એક ઇન્ટરવ્યૂમાં આ આરોપોને ફગાવ્યા હતા. મારા દિકરાને બ્લેકમેઇલિંગનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે. અમારી પાસે પુરતા પુરાવા છે અને અમારા વકીલને અમે આપી દીધા છે. નેમાર અને યુવતી એકવાર ડેટ પર ગયા હતા પરંતુ ત્યારબાદ નેમાર યુવતીને મળવા માંગતો નહોતો. બીજી તરફ મહિલા તેમના પરિવાર પાસે રૂપિયા પડાવવા માંગે છે.