ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ મેચમાં સિંગાપુરને હરાવ્યું હતું. ભારતે આ જીત સાતે ગોલ્ડ મેડલ પર કબ્જો કરી લીધો છે. ભારતે આ મેચમાં સિંગાપુરને 3-1થી હરાવ્યું હતું. આ ટેબલ ટેનિસની રમતમાં હરમીત દેસાઈએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમિત દેસાઈ મુળ સુરતનો ટેબલ ટેનિસ પ્લેયર છે.
ટીમ ઈન્ડિયા માટે હરમીત દેસાઈ અને સાથિયાન જ્ઞાનશેખરનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ સિંગાપુરના યોંગ ઈજાક ક્વેક અને યૂ એન કોએન પૈંગને હરાવ્યા હતા. ટીમ ઈવેન્ટની પ્રથમ ડબલ્સમાં સાથિયાન અને હરમીતની જોડીએ 3-1થી જીત નોંધાવી હતી. તેઓએ સિંગાપોરના યાંગ યેક અને યુ પેંગને 13-11, 11-7 અને 11-5થી હરાવ્યા હતા. આ પછી શરથ કમલને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી સિંગલ્સમાં ભારતનો વિજય થયો હતો. જેમાં સાથિયાનો 3-1થી વિજય થયો હતો. તેણે ટીમને 2-1ની લીડ અપાવી હતી. અંતે હરમીતે તેની સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.
કોમનવેલ્થમાં ભારતના ખેલાડીઓનું દમદાર પ્રદર્શનઃ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે, જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ખાસ વાત એ છે કે આમાં વેટલિફ્ટિંગમાં સાત મેડલ આવ્યા છે. આ સાથે જ ભારતે જુડોમાં બે મેડલ જીત્યા છે. તેમજ લૉન બોલમાં મહિલા ટીમ અને ટેબલ ટેનિસમાં પુરુષોની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે પુરુષોની ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય પુરુષોની ટેબલ ટેનિસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે ફાઈનલ મેચમાં નાઈજીરિયાને 3-0થી હરાવ્યું હતું.