નવી દિલ્હી: કોરોના વાયરસની ઝપેટમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરગ ગાંગુલીના પરિવારના સભ્ય પણ આવી ગયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના સચિવ અને ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્નેહાશીષ ગાંગુલીનો રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.

આ સિવાય સ્નેહાશીષ ગાંગુલીના સાસુ-સસરાનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચૂક્યો છે. સ્નેહાશીષ ગાંગુલીના સાસુ-સસરા ગત અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે સ્નેહાશીષના ઘરમાં કામ કરનાર હેલ્થ વર્કર કોરોના સંક્રમિત છે. આ તમામ લોકોની સારવાર શહેરના ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

સ્નેહાશીષ ગાંગુલી પોતે રણજી ખેલાડી રહી ચૂક્યાં છે અને તેમને ઘરમાં આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, “તમામ ચાર લોકોમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. આ ચારેય ગાંગુલીના ઘરની પાસે અલગ અલગ મકાનમાં રહે છે. પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”