નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટ હજુ ખતમ થયું નથી પરંતુ દુકાન, ગાડી અને બીજી ચીજમાં છૂટ આપવામાં આવી છે. કોરોના વાયરસના કારણે ક્રિકેટના મહાકુંભ ગણાતી આઈપીએલ સહિત અનેક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. પરંતુ દિલ્હીમાં ક્લબ ક્રિકેટની શરૂઆત થઈ ચુકી છે. ખેલાડીઓ હાથમાં સેનિટાઈઝર લગાવીને માસ્ક પહેરીને ક્રિકેટ રમ્યા હતા.
દિલ્હી એનસીઆરમાં આજથી અનેક ક્રિકેટ ક્લબસમાં મેચની શરૂઆત થઈ છે. જોકે મેચમાં ખેલાડીઓને સેનેટાઇઝર અને માસ્ક પહેરીને રમવાની મંજૂરી મળી છે. નઝફગઢમાં શનિવારે એક મેચની શરૂઆત થઈ હતી. આ મેદાનના માલિક રાજેશ ગુલિયાએ કહ્યું, અમે ખેલાડીઓની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ. ઉપરાંત કોઈપણ પરસેવો કે લાળનો બોલ પર ઉપયોગ ન કરે તેવી સૂચના આપવામાં આવી છે.
ગુલિયાએ આગળ જણાવ્યું કે, અમે તમામ ખેલાડીઓને પોત પોતાની પાણીની બોટલ લઈને આવવા અને કોઈ સાથે શેર નહીં કરવા સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. આ ઉપરાંત એકબીજા સાથે અંતર રાખીને બેસવા જણાવ્યું છે. મેદાનમાં પ્રવેશતા પહેલા તમામને સેનેટાઈઝ પણ કરાવવા જરૂરી છે. દિલ્હીમાં ચાર ક્રિકેટ ક્લબના માલિક સચિન ડબાસે કહ્યું, મારી પાસે ક્રિકેટ રમવા માટે અનેક ભલામણો આવતી હતી જે બાદ પૂરી તૈયારી સાથે શરૂઆત કરવામાં આવી છે.
ડબાસે કહ્યું, મેદાનમાં પ્રવેશતા પહેલા ખેલાડીઓનું તાપમાન પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જેમનું તાપમાન વધારે છે તેમને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. તમામ માટે માસ્ક પહેરવું જરૂરી છે. આઈસીસીની નવી ગાઈડલાઈન્સની વાત કરીએ ખેલાડીઓને જશ્ન મનાવવાની, લાળ કે બોલ પર પરસેવાનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.