નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે રમાનાર બીજી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી નવો રેકોર્ડ બનાવવાથી માત્ર 22 રન દૂર છે. આશા છે કે તે બીજા વનડેમાં આ રેકોર્ડ બનાવીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે.
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (ટેસ્ટ, વન-ડે, ટી-20) 158 ઇનિંગ્સમાં 8978 રન બનાવ્યા છે. જો કોહલી આજની ઇનિંગ્સમાં 22 રન બનાવવા સફળ રહેશે તો કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ 9000 રન બનાવનાર ખેલાડી બની જશે. કોહલી નાગપુરમાં જ આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લે તેવી સંભાવના છે. હલીએ 46 ટેસ્ટમાં 4515 રન, 64 વન-ડેમાં 3857 રન અને 22 ટી-20માં 606 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 35 સદી (18 ટેસ્ટ અને 17 વન-ડે) ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ 9000 રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે 203 ઇનિંગ્સમાં આવી સિદ્ધિ મેળવી છે. આ રેકોર્ડ તોડવા માટે કોહલી પાસે હજુ 44 ઇનિંગ્સ છે. જોકે તે નાગપુરમાં જ આ રેકોર્ડ તોડી નાખે તેવી સંભાવના છે. ઓવરઓલ પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટનશિપ કરતા 15440 રન બનાવ્યા છે. જેમાં 41 સદી ફટકારી છે.