વડોદરાઃ રણજી ટ્રોફીમાં મુંબઈએ બરોડા સામે મોટી  જીત મેળવીને 6 પોઈન્ટ મેળવ્યા છે. ગુરુવારે મુંબઈએ બરોડાને 309 રનના અંતરથી હરાવ્યું. જોકે આ મેચ દરમિયાન કંઈક એવું થયું જેની ક્રિકેટ ફેન્સને આશા ન હતી. બરોડાની બીજી ઇનિંગમાં તેના સીનિયર બેટ્સમેન યૂસુફ પઠાણ આઉટ થયા બાદ અજિંક્ય રહાણે સાથે બબાલ થઈ ગઈ. બન્ને ખેલાડીઓની વચ્ચે ઘણા સમય સુધી ચર્ચા ચાલી અને મુંબઈના ખેલાડીઓએ બચાવ કરવા આવ્યા હતા.

વડોદરાની ઈનિંગ દરમિયાન 48મી ઓવરમાં એમ્પ્યાયરે યૂસુફ પઠાણ્ને કેચ આઉટ આપ્યો હતો. આકાશ પાર્કરનો બોલ યૂસુફ પઠાણના પેડ પર વાગ્યો હતો પણ અમ્પાયરે તેને કેચ આઉટ જાહેર કર્યો હતો. અમ્પાયરના આ નિર્ણય પર યૂસુફ પઠાણ ભારે નારાજ થયો હતો અને ક્રિઝ છોડી નહોતી હતી અને ત્યાં જ ઉભો રહ્યો હતો. જેથી અજીંક્ય રહાણે યૂસુફ પઠાણ પાસે આવ્યો હતો.


આ દરમિયાન બંને વચ્ચે રકઝક થઈ હતી. આ રકઝક ઘણો લાંબો સમય સુધી ચાલી હતી. મુંબઈના ખેલાડીઓએ દરમિયાનગિરી કરવી પડી હતી. આ ખેલાડીઓ વચ્ચે પડીને રહાણેને યૂસુફ પઠાણથી દૂર લઈ ગયા હતાં. જોકે બાદમાં યૂસુફ પઠાણે પેવેલિયન તરફ ચાલતી પકડી હતી.