13 વર્ષના યશ ચાવડેએ ક્રિકેટના મેદાન પર એવું કારનામું કર્યું કે બધા તેની પ્રશંસા કરી રહ્યા છે. બેટ્સમેન યશે મુંબઈ ઈન્ડિયન્સ જુનિયર ઈન્ટર-સ્કૂલ (અંડર-14) ક્રિકેટ ટુર્નામેન્ટમાં અણનમ 508 રન બનાવ્યા હતા. યશે પોતાની ઇનિંગમાં 81 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે યશ ચાવડે ભારતમાં આયોજિત કોઈપણ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.






વિપક્ષી ટીમ 9 રનમાં સમેટાઈ ગઈ હતી


યશ ચાવડેના 508 રનના કારણે સરસ્વતી વિદ્યાલયની ટીમે નિર્ધારિત 40 ઓવરમાં કોઈ નુકશાન વિના 714 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. યશનો સાથી ઓપનર તિલક વાકોડે (97 બોલમાં 127 રન) પણ આ રેકોર્ડ ભાગીદારીનો ભાગ બન્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે 715 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સિદ્ધેશ્વર વિદ્યાલયની ટીમ પાંચ ઓવરમાં માત્ર 9 રનમાં સમેટાઈ ગઈ હતી.


યશ ચાવડે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં 500+ રન બનાવનાર માત્ર બીજો ખેલાડી છે. શ્રીલંકાના ચિરાથ સેલેપેરુમાએ આ સિદ્ધિ મેળવી છે. સાલેપેરુમાએ ઓગસ્ટ 2022માં અંડર-15 ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં અણનમ 553 રન બનાવ્યા હતા. એકંદરે યશ ચાવડે તમામ ફોર્મેટ અને વય જૂથોમાં 500+ સ્કોર કરનાર માત્ર 10મો બેટ્સમેન છે. આ 10 બેટ્સમેનમાંથી પાંચ ભારતીય છે. ભારતીય ખેલાડીઓમાં પ્રણવ ધનાવડે (1009*), પ્રિયાંશુ મોલિયા (556*), પૃથ્વી શૉ (546) અને ડેડી હવાવાલા (515)એ પણ આ સિદ્ધિ મેળવી છે.


વિદર્ભના વર્તમાન કેપ્ટન ફૈઝ ફઝલે વીસીએ અંડર-14 ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં સરસ્વતી વિદ્યાલય તરફથી રમતી વખતે 280+ રન બનાવ્યા હતા. સરસ્વતી વિદ્યાલયના સુપરવાઈઝર રવિ કુલકર્ણીએ TOIને જણાવ્યું હતું કે, ફૈઝ ભારત માટે રમવા આવ્યો હતો અને તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ટોચના બેટ્સમેનોમાંનો એક છે.


યશે આ સિઝનમાં હજારથી વધુ રન બનાવ્યા


સરસ્વતી વિદ્યાલયની ટીમે ઘણા સ્ટાર ક્રિકેટરો પેદા કર્યા છે. વિદર્ભના સૌથી સફળ વિકેટકીપર અક્ષય વાડકર અને ભૂતપૂર્વ રણજી ઓપનર અક્ષય કોલ્હાર પણ સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે. યશ ચાવડેએ આ સિઝનમાં સરસ્વતી વિદ્યાલય માટે અંડર-16 VCA ટુર્નામેન્ટમાં બે સદી સાથે 1000થી વધુ રન બનાવ્યા છે. તે પહેલેથી જ વીસીએ કેમ્પમાં છે અને સતત રન બનાવી રહ્યો છે. યશ ચાવડે ડૉ. આંબેડકર કૉલેજ સ્પોર્ટ્સ એકેડમીમાં ચંદન શાહના માર્ગદર્શન હેઠળ ટ્રેનિગ લઇ રહ્યો છે.