IND vs AUS Sydney: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સમાપ્તિ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહી. ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી અંતિમ અને પાંચમી ટેસ્ટમાં ભારતને ૬ વિકેટે હરાવીને ટ્રોફી ૩-૧થી જીતી લીધી. આ હાર સાથે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત સામાન્ય રહ્યું હતું, જેના કારણે કેટલાક ખેલાડીઓ વિવેચકોના નિશાના પર છે. આવો, આપણે એવા ૫ ભારતીય ખેલાડીઓ વિશે જાણીએ જેમના પ્રદર્શને ટીમને નિરાશ કરી:
૧. વિરાટ કોહલી:
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર શાંત રહ્યું. કોહલી પ્રથમ દાવમાં ૧૭ રન અને બીજી ઇનિંગમાં માત્ર ૬ રન બનાવીને આઉટ થયો હતો. તેણે આખી શ્રેણીમાં માત્ર ૧૯૦ રન બનાવ્યા હતા, જે તેની પ્રતિષ્ઠાને છાજે તેવું પ્રદર્શન ન હતું.
૨. શુભમન ગિલ:
ભારતનો યુવા અને સ્ટાર ખેલાડી શુભમન ગિલ પણ આ મેચમાં પોતાની બેટિંગથી કોઈ ખાસ યોગદાન આપી શક્યો નહીં. તે બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. ગિલે પ્રથમ દાવમાં ૨૦ રન અને બીજા દાવમાં માત્ર ૧૩ રન બનાવ્યા હતા. ગિલ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો.
૩. રવિન્દ્ર જાડેજા:
ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સિડની ટેસ્ટમાં બોલિંગ કરવાની વધુ તક મળી ન હતી. પરંતુ બેટિંગમાં પણ તે કોઈ મોટું યોગદાન આપી શક્યો નહોતો. જાડેજા પ્રથમ દાવમાં ૨૫ અને બીજી ઇનિંગમાં ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તેણે નિરાશ કર્યા. તેણે આ ટેસ્ટમાં ૩ ઓવર નાખી અને એકપણ વિકેટ લીધી ન હતી.
૪. નીતિશ કુમાર રેડ્ડી:
મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારનાર નીતિશ કુમાર રેડ્ડી સિડનીમાં બેટથી સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. તે પ્રથમ દાવમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. બીજી ઇનિંગમાં પણ રેડ્ડી ૪ રન બનાવીને આઉટ થયો હતો. રેડ્ડી ઓલરાઉન્ડર હોવા છતાં, આ સિરીઝમાં તેને બોલિંગની ઓછી તક મળી, અને બેટ્સમેન તરીકે પણ તે નિષ્ફળ રહ્યો. જોકે રેડ્ડીએ સિડની ટેસ્ટમાં ૨ વિકેટ લીધી હતી, તે બેટિંગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.
૫. વોશિંગ્ટન સુંદર:
આ ટેસ્ટમાં બેટિંગને મજબૂત બનાવવા માટે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ બેટિંગમાં તે ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો. સુંદર પ્રથમ ઇનિંગમાં ૧૪ અને બીજી ઇનિંગમાં ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. તેણે આખી ટેસ્ટમાં માત્ર ૧ ઓવર ફેંકી હતી, જેમાં તેણે કોઈ વિકેટ લીધા વિના ૧૧ રન આપ્યા હતા. સુંદરે મેચની છેલ્લી ઓવર ફેંકી હતી, જે દર્શાવે છે કે બોલિંગમાં પણ તેનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
આમ, સિડની ટેસ્ટમાં આ પાંચ ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શને ટીમ ઇન્ડિયાને હાર તરફ ધકેલી દીધી અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ તોડી નાખ્યા.
આ પણ વાંચો....
ટીમ ઈન્ડિયાની શરમજનક હારથી સિડનીમાં બન્યો મહારેકોર્ડ, ૧૮૯૬ પછી પ્રથમ વખત થયું આવું