afghanistan tour of india 2026 squad: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે (26 મે) અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ભારત પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ભારત સામે એકમાત્ર ટેસ્ટ મેચ અને 3 મેચની વનડે સિરીઝ રમવા જઈ રહ્યું છે. આ સિરીઝ 6 જૂનથી શરૂ થઈને 20 જૂન સુધી ચાલશે, જેમાં પહેલા ટેસ્ટ અને ત્યારબાદ વનડે સિરીઝ રમાશે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ભારત સામેની આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રમતો જોવા નહીં મળે.
રાશિદ ખાન ભલે ટેસ્ટ ટીમમાંથી ગાયબ હોય, પરંતુ તે 15 સભ્યોની વનડે ટીમનો મહત્વનો હિસ્સો છે. અફઘાનિસ્તાન બોર્ડે આ બંને સિરીઝ માટે હશમતુલ્લાહ શાહિદી પર ભરોસો મૂકીને તેને કેપ્ટનશિપ સોંપી છે. બંને ફોર્મેટ માટે 3-3 રિઝર્વ ખેલાડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમને ટેસ્ટ અને વનડે એમ બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
હવે ચાહકોના મનમાં મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાશિદ ખાન ટેસ્ટ કેમ નથી રમી રહ્યો? જોકે, ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે રાશિદ ખાને વર્કલોડ મેનેજ કરવા માટે વર્ષમાં માત્ર એક જ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 2026 ના આ વર્ષમાં તેણે હજુ એક પણ ટેસ્ટ રમી નથી, છતાં તેને ભારત સામેની આ મહત્વની ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારત સામેની એકમાત્ર ટેસ્ટ માટેની અફઘાનિસ્તાન ટીમ:
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રહેમાનુલ્લાહ ઝદરાન, અફસર ઝાઝાઈ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નંગ્યાલ ખારોતી, કૈસ અહમદ, બિલાલ સામી, ઝિયા શરીફી અને સલીમ સફી.રિઝર્વ ખેલાડીઓ: બશીર અહમદ, બહીર શાહ, ઇસ્મત આલમ.
આ પણ વાંચોઃ IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ
ભારત સામેની વનડે સિરીઝ માટે અફઘાનિસ્તાનની ટીમ:
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, રહેમત શાહ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, રાશિદ ખાન, નંગ્યાલ ખારોતી, અલ્લાહ ગઝનફર, અબ્દુલ મલિક અને બિલાલ સામી.રિઝર્વ ખેલાડીઓ: કૈસ અહેમદ, સલીમ સફી, બશીર અહેમદ.
ભારત-અફઘાનિસ્તાન સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ:
એકમાત્ર ટેસ્ટ: 6 જૂન
પ્રથમ વનડે: 13 જૂન
બીજી વનડે: 17 જૂન
ત્રીજી વનડે: 20 જૂન
આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
