IPL 2026 playoffs: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સીઝનનો લીગ સ્ટેજ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે. 70 મેચોના રોમાંચક જંગ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આમાં RCB અને ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચના 2 સ્થાને રહી છે, જેના કારણે તેમને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે. આવતીકાલે, મંગળવારે આ બંને ફોર્મમાં ચાલી રહેલી ટીમો વચ્ચે 'ક્વોલિફાયર 1' નો મુકાબલો રમાશે. સૌથી સારી વાત એ છે કે આ હાઈ-વોલ્ટેજ મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નહીં થાય, પણ તેને ફાઇનલમાં પહોંચવાનો વધુ એક મોકો મળશે.
હારનાર ટીમને કેવી રીતે મળશે બીજી તક?
IPL ના નિયમો મુજબ, લીગ સ્ટેજના અંતે જે ટીમો પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા ક્રમે રહે છે, તેઓ સીધી ક્વોલિફાયર 1 રમે છે. આ મેચની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં હારનારી ટીમની સફર પૂરી થતી નથી, પરંતુ તેમને ટોપ 2 માં રહેવાનો ફાયદો મળે છે. ક્વોલિફાયર 1 માં જે પણ ટીમ હારશે (RCB અથવા GT), તેને ક્વોલિફાયર 2 માં રમવાનો મોકો મળશે. ત્યાં તેમનો સામનો 'એલિમિનેટર' મેચ જીતનારી ટીમ સાથે થશે. આમ, ફાઇનલની ટિકિટ મેળવવા બંને ટીમો પાસે બે ચાન્સ રહેશે.
પોઈન્ટ્સ સરખા, પણ નેટ રન રેટથી RCB નંબર 1
તમને જણાવી દઈએ કે 70 લીગ મેચો પૂરી થયા પછી રજત પાટીદારની RCB અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ બંનેના પોઈન્ટ્સ એકદમ સરખા છે. RCB એ 14 માંથી 9 મેચ જીતીને 18 પોઈન્ટ મેળવ્યા છે, અને ગુજરાતે પણ પોતાની 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવ્યા છે. જોકે, શાનદાર નેટ રન રેટ (NRR) ના સહારે RCB પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે અને ગુજરાત બીજા નંબર પર રહ્યું છે.
આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
જો મેચમાં વરસાદ પડે તો શું થશે?
ક્રિકેટ ચાહકો માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જો RCB અને ગુજરાત વચ્ચેની આ મેચમાં વરસાદ વિલન બને અને મેચ રદ કરવી પડે, તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફાયદો થશે. પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને હોવાથી RCB સીધી જ ફાઇનલમાં પ્રવેશી જશે. IPL પ્લેઓફમાં ક્વોલિફાયર 1, એલિમિનેટર કે ક્વોલિફાયર 2 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
આ મહાસંગ્રામની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં નક્કી થશે કે આ વર્ષે ટ્રોફી કોણ ઉઠાવશે.
આ પણ વાંચોઃ IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
