ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં મોટો વિવાદ થયો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ વિકેટને લઈને અસહમત લાગી રહ્યું છે.






ભારતની ઈનિંગ્સની 50મી ઓવરમાં જ્યારે મેથ્યુ કુનહેમનો બોલ વિરાટ કોહલીના પેડ સાથે અથડાયો હતો. અમ્પાયરે તેને આઉટ આપ્યો પરંતુ બાદમાં વિરાટ કોહલીએ રિવ્યૂ માંગ્યો હતો. રિવ્યુમાં પણ વિકેટને લઇને કોઇ સ્પષ્ટ દેખાઇ રહ્યું નહોતું. પરંતુ અમ્પાયર્સના કોલને કારણે વિરાટ કોહલીને આઉટ આપવામાં આવ્યો હતો.






જ્યારે ત્રીજા અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને વાંધો ઉઠાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડ્રેસિંગ રૂમમાં બેઠેલી ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ નિર્ણયથી ખુશ નહોતું, કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતા.


જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે વિરાટ કોહલી શાનદાર ઈનિંગ રમી રહ્યો હતો. આ ઇનિંગમાં વિરાટ કોહલીએ 84 બોલમાં 44 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા.


ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​કુન્હમેનની ઓવરમાં  મેદાન પરના અમ્પાયરને વિરાટ કોહલીને આઉટ આપ્યો હતો. પરંતુ વિરાટે કહ્યું કે પહેલા તેનું બેટ વાગ્યું હતું અને બોલ પાછળથી પેડ પર વાગ્યો હતો. વિરાટ કોહલીએ અહીં રિવ્યુ લીધો, જ્યારે રિપ્લે બતાવવામાં આવ્યું ત્યારે એવું પણ લાગ્યું કે બોલ પહેલા બેટમાં અડ્યો હતો. રિવ્યૂમાં તેને અમ્પાયર્સ કોલ કહેવામાં આવતું હતું, જે કિસ્સામાં ત્રીજા અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના આઉટ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.


વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ગુસ્સામાં જોવા મળ્યો હતો


વિરાટ કોહલીની આ વિકેટને લઈને ઘણો હોબાળો થયો હતો. દિગ્ગજોએ પણ આ રીતે આઉટ આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. વસીમ જાફરે ટ્વીટ કરીને લખ્યું કે તે તેના માટે અણનમ છે, કારણ કે તેને ક્યાંયથી એવું નથી લાગતું કે બોલ બેટને પહેલા અડ્યો છે.