AUS vs ENG:  ઘરઆંગણે રમાઈ રહેલી એશિઝ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમ આજથી એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી શ્રેણીની બીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતવા માટે પણ ફેવરિટ મનાય છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીની તમામ આઠેય ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતી ચૂક્યું છે અને હવે તેઓ રેકોર્ડ નવમી ડે-નાઈટ ટેસ્ટ જીતવા તરફ મીટ માંડી રહ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ હારમાંથી પદાર્થપાઠ લઈને એન્ડરસન અને બ્રોડ જેવા ધુરંધર ફાસ્ટ બોલરોને ટીમમાં સમાવી લીધા છે. તેમના સહારે ઈંગ્લેન્ડની સફળતાની આશા છે.


બીજી ટેસ્ટની શરૂઆતના થોડા કલાક પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ એડિલેડમાં ડે-નાઈટ રમવાની છે અને તે પહેલા પણ કેપ્ટન પેટ કમિન્સ આ મેચમાંથી બહાર થઈ ગયો છે. કોવિડ-19થી સંક્રમિત મળી આવેલા રેસ્ટોરન્ટના માણસના સંપર્કમાં આવ્યા બાદ કમિન્સને બીજા ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જ્યારે કમિન્સ એડિલેડની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં ટેબલ પર બેઠેલા પેટ્રોન કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.


બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે કમિન્સ તરત જ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. કમિન્સ બીજી ટેસ્ટમાંથી બહાર થયા બાદ વાઈસ-કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ મિશેલ નાસરને પણ ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. કમિન્સ હવે સાત દિવસ માટે આઈસોલેશનમાં રહેશે. જ્યારે સ્મિથ બીજી ટેસ્ટ માટે કમાન સંભાળશે ત્યારે ટ્રેવિસ હેડ વાઇસ-કેપ્ટનનું પદ સંભાળશે.


પેટ કમિન્સનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો


કમિન્સને ખબર પડી કે તે કોવિડ-19 વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે, ત્યારે તેણે તે જ સમયે તેનો પીસીઆર ટેસ્ટ કરાવ્યો, જેમાં તે નેગેટિવ આવ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે કમિન્સે બાયોસિક્યોરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું નથી. બોર્ડે આશા વ્યક્ત કરી છે કે કમિન્સ મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં ચોક્કસપણે પુનરાગમન કરશે