BCCI's Five-Nation tournament: એશિયા કપ 2023ને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાકિસ્તાનને તેની શાન ઠેકાણે લાવવા અંદરખાને એક ગુપ્ત પ્લાન બનાવી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. કારણ કે પાકિસ્તાન એશિયા કપ રમવાને લઈને રીતસરની આડૉડાઈ કરી રહ્યું છે અને વારંવાર ખસી જવાની ધમકીઓ આપી રહ્યું છે. 


આ વર્ષે યોજાનાર એશિયા કપને રદ કરવામાં આવે તેવી સંભાવના છે કારણ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દેશે ટુર્નામેન્ટની યજમાનીનું પોતાનું વલણ જાળવી રાખ્યું છે. જોકે એશિયા કપ ટાળવો ના પડે તે માટે બીસીસીઆઈએ આગોતરી તૈયારીના ભાગરૂપે આયોજન શરૂ કરી દીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 


BCCIએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટૂર્નામેન્ટને કેટલાક તટસ્થ સ્થળે ખસેડવામાં આવશે. અગાઉ 2018માં એશિયા કપનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું.


હવે બીસીસીઆઈ એશિયા કપ માટે પાંચ દેશો વચ્ચે જ રમાડવામાં આવે તેવી યોજના બનાવી રહ્યું છે. આમ થાય તો એશિયા કપમાંથી પાકિસ્તાનને પડતું મુકવામાં આવી શકે છે. જ્યારે જે પાંચ દેશો વચ્ચે એશિયા કપ રમાવવાની સંભાવના છે તેમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ક્રિકેટ ટીમનો સમાવેશ થઈ શકે છે. 


પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું?


અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને એશિયા કપ 2023 માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલને હાઇબ્રિડ મોડલ ઓફર કર્યું હતું. પાકિસ્તાન ક્રિકેટે કથિત રીતે આ મોડેલમાં કહ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં સામેલ અન્ય તમામ ટીમો તેમની મેચ પાકિસ્તાનમાં રમશે, જ્યારે ભારતીય ટીમ અન્ય કોઈ દેશમાં રમશે. જો કે, પાછળથી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ મોડલને BCCI દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું.


દરમિયાન, એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહે લગભગ બે અઠવાડિયા પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં કહ્યું હતું કે, અમે 2023 એશિયા કપના સ્થળને અંતિમ સ્વરૂપ આપવા અને ભારત-પાકિસ્તાન મેચ અંગે સ્પષ્ટતા મેળવવા માટે અન્ય દેશોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ.


શું ટુર્નામેન્ટ રદ થઈ શકે?


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટ પોતાના દેશમાં કરાવવાના તેના વલણ પર અડગ છે. આ જોતાં, ટૂર્નામેન્ટ (એશિયા કપ 2023) રદ થવાની સંભાવના છે અને તેને ધ્યાનમાં રાખીને અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, BCCI પાંચ દેશોની ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યું છે.જે દરમિયાન ખાલી વિંડોમાં યોજવામાં આવી શકે છે. એશિયા કપ મામલે જોકે સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.