Rohit Sharma Stats: ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોમાં આમને-સામને છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં 10 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત શર્માએ 241 ઇનિંગ્સમાં 10 હજાર રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાનો 22મો રન બનાવતાની સાથે જ આ વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
રોહિત શર્મા વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી 10 હજાર રનનો આંકડો પાર કરનાર ત્રીજો વ્યક્તિ બની ગયો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ 205 ઇનિંગ્સમાં 10 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ યાદીમાં ભારતના પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે. સચિન તેંડુલકરે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આવી રહી છે રોહિત શર્માની કારકિર્દી...
આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી રોહિત શર્મા 248 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. રોહિત શર્માએ આ 248 ODI મેચોની 241 ઇનિંગ્સમાં 10025 રન બનાવ્યા છે. રોહિત શર્માના નામે વનડે ફોર્મેટમાં 30 સદી છે. આ સિવાય રોહિત શર્માએ 50 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. રોહિત શર્મા ઈતિહાસનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ફોર્મેટમાં ત્રણ વખત બેવડી સદીનો આંકડો પાર કર્યો છે. ODI ફોર્મેટમાં રોહિત શર્માએ 49.14ની એવરેજ અને 90.30ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
જો ભારત-શ્રીલંકા મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે 19 ઓવરમાં 3 વિકેટે 107 રન બનાવી લીધા છે. હાલમાં ઈશાન કિશન 10 રને અને કેએલ રાહુલ 6 રને રમતમાં છે. રોહિત શર્મા 48 બોલમાં 53 રન બનાવી, વિરાટ કોહલી 3 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે શુભમન ગિલ 25 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 80 રનની પાર્ટનરશિપ કરી હતી.