નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 279 રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ 3-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના અણનમ 111 રનની મદદથી બીજી ઇનિંગ બે વિકેટના નુકસાન પર 217 રન પર ડિક્લેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને મેચ જીતવા માટે 416 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓફ સ્પિનર નાથન લિયોને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી ન્યૂઝિલેન્ડની ટીમને 47.5 ઓવરમાં 136 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.


વોર્નરે ટેસ્ટ કરિયરની 24મી સદી ફટકારી હતી. લાબુશેને સ્થાનિક સત્રમાં પાંચ ટેસ્ટમાં 895 રન બનાવ્યા હતાજે ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ છે. 416 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝિલેન્ડે ચાર રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લિયોને જીત રાવલ (12), વેન ફિલિપ્સ (0) આઉટ કરી ન્યૂઝિલેન્ડનો સ્કોર ચાર વિકેટ પર 27 રન કરી દીધો હતો.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 454 રન બનાવ્યા હતા  જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 296 જ્યારે બીજી ટેસ્ટ મેચ 247 રને જીતી હતી.