AUSW vs ENGW: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 89 રને હાર આપી છે. આ રીતે ઓસ્ટ્રેલિયાએ મહિલા એશિઝ 2023 જીતી લીધી છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 178 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે યજમાન ટીમને 89 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં એશ્લે ગાર્ડનરે ઘાતક બોલિંગ કરી હતી. આ ખેલાડીએ 66 રન આપીને ઈંગ્લેન્ડના 8 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં મેચ જીતવા માટે 269 રનની જરૂર હતી.


ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ સરેંડર કર્યું


ઈંગ્લેન્ડ માટે ઓપનર ઈમા લંબ અને ટેમી બ્યુમેન્ટે બીજી ઈનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી બેટ્સમેને નિરાશ કર્યા હતા. પરિણામે ઈંગ્લેન્ડની ટીમ 89 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ઓપનર ઈમા લંબ અને ટેમી બ્યુમેન્ટે પ્રથમ વિકેટ માટે 55 રન જોડ્યા હતા. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં ડેનિયલ વયોટે 88 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઈમા લંબ,  ટેમી બ્યુમેન્ટ અને સોફિયા ડંકલીએ અનુક્રમે 28, 22 અને 16 રનનું યોગદાન આપ્યું હતું.


આ મેચમાં શું-શું થયું  ?



જ્યારે ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ, નેટ સીવર બ્રન્ટ, એમી જોન્સ, લોરેન ફિલર અને લોરેન બેલ ડબલ આંકડો પાર કરી શક્યા નહી. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલરોની વાત કરીએ તો એશ્લે ગાર્ડનરે 66 રન આપીને ઈંગ્લેન્ડના 8 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય કિમ ગાર્થ અને તાહિલા મેકગ્રાને 1-1 સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 473 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 463 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 257 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 269 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 


ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 473 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. એનાબેલ સધરલેન્ડે 184 બોલમાં 137 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી સોફી એસ્ક્લેટને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે લોરેન બેલ અને લોરેન ફિલરને 2-2 સફળતા મળી હતી. કેટ ક્રોસને 1 સફળતા મળી.