નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. લોકડાઉન હટવામાં હજુ પણ એક સપ્તાહનો સમય બાકી છે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) અને ભારત સરકારે ક્રિકેટ પ્રેમીઓ માટે મોટો ફેંસલો કર્યો છે. જે મુજબ કેટલીક જૂની મેચોની હાઈલાઈટસ બતાવવામાં આવશે.


કઈ મેચોની બતાવાશે હાઈલાઈટ્સ

BCCIએ ભારત સરકાર સાથે એક કરાર કર્યો છે. જેમાં ભારત સરકારની સ્પોર્ટ્સ ચેનલ DD Sports પર કેટલીક રોમાંચક મેચનું પ્રસારણ કરવામાં આવશે. જેમાં મોટાભાગની મેચ ટીમ ઈન્ડિયાની છે, જે 2000ના દાયકાની આસપાસ રમાઈ હતી. બીસીસીઆઈએ સોમવારે આ વાતની જાહેરાત કરતાં કહ્યું કે, 2000ના દાયકાના ક્રિકેટનો ઘરે બેઠા આનંદ માણો. ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર તેનું પ્રસારણ છે. બોર્ડ અને ભારત સરકાર મળીને તમારા માટે હાઇલાઇટ્સ પ્રસારિત કરવાનો ફેંસલો લીધો છે.

કેમ લેવામાં આવ્યો ફેંસલો

ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ પણ કોરોના વાયરસના કારણે બંધ થઈ ગઈ હોવાથી ભારત સરકારે અને બીસીસીઆઈએ આ પગલું લીધું છે. આ સ્થિતિમાં ક્રિકેટને રમત પ્રેમીઓના દિલમાં જીવતી રાખવા તથા જૂની મેચોની યાદ તાજી કરવા આ ફેંસલો લેવામાં આવ્યો છે.

કેટલા દિવસ સુધી બતાવાશે હાઇલાઇટ્સ

ડીડી સ્પોર્ટ્સ પર 7 એપ્રિલથી 14 એપ્રિલ સુધી કુલ 20 મેચોની હાઈલાઈટ્સ દેખાડવામાં આવશે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2003ની ટ્રાઈ સીરિઝ, સાઉથ આફ્રિકાનો 2000નો ભારત પ્રવાસ, ઓસ્ટ્રેલિયાનો 2001નો ભારત પ્રવાસ, વેસ્ટ ઈન્ડિઝનો 2002નો ભારત પ્રવાસ, 2005નો શ્રીલકાનો ભારત પ્રવાસની કેટલીક રોમાંચક મેચોની હાઇલાઇટ્સ દર્શાવવામાં આવશે.