Suspect Bowling Action List: IPL 2024ની હરાજી પહેલા BCCIની એક યાદીએ થોડા સમય માટે હલચલ મચાવી દીધી હતી. આ યાદી શંકાસ્પદ બોલિંગ એક્શન ધરાવતા ખેલાડીઓની હતી. આ યાદીમાં તાજેતરમાં દિલ્હી કેપિટલ્સમાંથી મુક્ત થયેલા ચેતન સાકરિયાનું નામ પણ હતું. અહીં યુવા ફાસ્ટ બોલર ચેતનનું નામ સાંભળીને આઘાત લાગ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે આ સૂચિ પર પ્રશ્નો ઉભા થયા અને બીસીસીઆઈએ ક્રોસ ચેક કર્યું, તો પછી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ.
વાસ્તવમાં, બોર્ડ સમાન નામને કારણે મૂંઝવણમાં આવી ગયું. કર્ણાટકના ચેતન નામના બોલરની જગ્યાએ સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું નામ આ યાદીમાં જોડાયું છે. બાદમાં BCCIએ પોતાની ભૂલ સુધારી ચેતન સાકરિયાનું નામ યાદીમાંથી હટાવી દીધું હતું. આ યાદીમાં થયેલી ભૂલ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું, આ એક પ્રકારની ગેરસમજ હતી. ચેતનને ક્યારેય શંકાસ્પદ બોલિંગ એક્શન માટે બોલાવવામાં આવ્યો ન હતો. તે આ યાદીમાં નથી. કર્ણાટકના કોઈ બોલરનું નામ હોવું જોઈએ. IPL ફ્રેન્ચાઇઝીસને પણ આ અંગે જાણ કરવામાં આવી રહી છે. ચેતન સાકરિયા ગત IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જોકે, આ વખતે દિલ્હી ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં તે રોસ્ટરમાં 27મા સ્થાને રહેશે. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ છે.
શંકાસ્પદ બોલરોની યાદી
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના તનુષ કોટિયન, કેરળ ક્રિકેટ એસોસિએશનના રોહન કુન્નુમલ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચિરાગ ગાંધી, કેરળ ક્રિકેટ એસોસિએશનના સલમાન નિઝાર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના સૌરભ દુબે, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અર્પિત ગુલેરિયા અને કર્ણાટકના ચેતનનનું નામ શંકાસ્પદ બોલિંગ એક્શન લિસ્ટમાં સામેલ છે. જો કે આ બોલરો પર હજુ સુધી પ્રતિબંધ મુકાયો નથી. આ સિવાય કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના મનીષ પાંડે અને કેએલ શ્રીજીત પર બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
IPL હરાજીમાં 333 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL 2024 Auction List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વિદેશમાં હરાજી થશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે.
આ યાદીમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે
હરાજી માટેની યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓની ખરીદી કરાશે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ ખરીદી શકાશે. IPL દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાં એવા 23 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.
ગુજરાતની ટીમના પર્સમાં સૌથી વધુ રૂપિયા
નોંધનીય છે કે ગુજરાત ટાઇટન્સના પર્સમાં સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે આ ટીમ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચી શકે છે. જ્યારે હવે તેને માત્ર 8 ખેલાડીઓ ખરીદવાના છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે તેમના પર્સમાં સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમે હવે 6 વધુ ખેલાડીઓ ખરીદવા પડશે.