મુંબઈઃ ક્રિકેટ બોર્ડ આ વર્ષે આઈપીએલને અભરાઈ પર ચડાવી દઈને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આઈપીએલ યોજવા વિચારી રહી છે. હાલમાં દુબઈમાં આઈપીએલ રમાડવાની યોજના છે તેના બદલે ઓસ્ટ્રેલિયામાં આઈપીએલ રમાડવા અંગે બોર્ડ વિચારી રહ્યું છે. આઈપીએલની મુખ્ય સ્પોન્સર વીવોને પણ આવતા વર્ષની શરૂઆતમાં આઈપીએલ યોજાય તે સામે વાંધો નથી અને એ વખતે સ્પોન્સરશિપ માટે પણ તે તૈયાર હોવાનું સૂત્રોનું કહેવું છે.


આઈપીએલની 13મી સીઝન શરૂ થવાને હજુ 46 દિવસ બાકી છે ત્યારે વિવો ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી જતા ફ્રેન્ચાઈઝીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. જોકે બીસીસીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય અને કોઈ નાણાંકીય સંકટ હશે તો પણ ગભરાવાની જરૂરત નથી.

નોંધનીય છે કે, વિવો ઇન્ડિયાનની હેન્ડસેટ મેકર વિવો કંપનીની સબસિડરી કંપની છે. વિવોએ 2018માં આઈપીએલની સ્પોન્સરશિપ ટાઈલના પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે 2199 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આ રકમ પહેલાની સ્પોન્સર કંપની પેપ્સીકો કરતાં 454 ટકા વધારે હતી. આ રીતે બીસીસીઆને દરેક સીઝનમાં વિવો તરફથી 440 કરોડ રૂપિયાની આવક થાય છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, વિવો આ વખતે ટાઇટલ સ્પોન્સરમાંથી ખસી જતા બીસીસીઆઈને નવા સ્પોન્સર શોધવામાં મુશ્કેલી થઈ શકે છે. જો આ સ્થિતિમાં બીસીસીઆઈને કોઈ સ્પોન્સર ન મળે તો આવી સ્થિતિમાં દરેક ફ્રેન્ચાઈઝીને 28-30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઉપરાંત આ વખતે દર્શકો મેદાનમાં નહીં હોય ત્યારે એની નુકસાની પણ ફ્રેન્ચાઈઝીઓને ભોગવવી પડશે અને એ રકમ પણ ઉમેરવામાં આવે તો દરેક ફ્રેન્ચાઈઝીને આ વખતે 50-60 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

આમ કોરોનાકાળમાં જો બીસીસીઆઈને યોગ્ય કિંમતે સ્પોન્સર ન મળે તો બોર્ડ અને ફ્રેન્ચાઈઝીને ભારે નુકસાન ઉઠવવું પડી શકે છે. જેના કારણે બોર્ડ હાલમાં થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે. આ જ કારણે બોર્ડ એવો પણ નિર્ણય લઈ શકે કે આઈપીએલને આ વર્ષે ન યોજવાને બદલે આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજવામાં આવે.