અમદાવાદ: ભારત અને પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ જોરદાર ઉત્સાહ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તા વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. આ મેચને લઈ ક્રિકેટ રસિયા ઉત્સાહમાં છે. ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. BCCI દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મેચની વધુ 14 હજાર ટિકિટનું વેચાણ કરવામાં આવશે.
BCCI દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી શકે છે. BCCIના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ટિકિટનું બુકિંગ ખુલશે.
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અમદાવાદના સ્ટેડિયમમાં 50 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
ICC વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટે શાનદાર જીત થઈ હતી. વર્લ્ડકપની આ પહેલી મેચ દર્શકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મન ભરીને માણી હતી. જો કે, આ દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા 81 લોકોને 108 દ્વારા સારવાર અપાઇ હતી. મેચ જોવા આવેલા 57 પુરુષો અને 24 મહિલાઓને સારવાર લેવી પડી હતી. માથુ, બ્લડ પ્રેસર, નબળાઇ તાવ સહિતના કેસો સામે આવ્યા હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ઓથોરિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડ કપની ભારત - પાકિસ્તાનની મેચ માટે 108 ઇમરજન્સી સર્વિસનું જબરદસ્ત આયોજન સામે આવ્યું છે. ભારત - પાકિસ્તાનની મેચ દરમિયાન 50 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. 30 મિનિટમાં 50 એમબ્યુલન્સ સ્ટેડિયમ પહોચે તેવું 108 સર્વિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેડિયમ નજીકની તમામ એમ્બ્યુલન્સને ડાયનામિક ડીસ્પેચ આપવામાં આવશે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 5 વધારાની એમબ્યુલન્સ રાખવામાં આવી હતી. GCA અને પોલીસ સાથે સંકલન કરી જરૂર જણાતા વધુ એમબ્યુલન્સ પણ મુકાશે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં નોધપાત્ર ઉછાળો આવ્યો છે. જેના કારણે નવરાત્રી દરમિયાન પણ અનેક સ્થળોએ એમ્બ્યુલન્સ રાખવાની માહિતી સામે આવી છે. આમ પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાથી સ્ટેડિયમ ફુલ થઈ જશે. મોટી સંખ્યામાં ક્રિકેટરસીકો મેચ જોવા આવશે, ત્યારે ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા આ આયોજન કરવામાં આવ્યું છે.