નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર પસંદગી સમિતિના નવા સભ્યોની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતો પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્મા BCCIની સિનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા પ્રમુખ બનશે.  શર્મા મુખ્ય પસંદગીકાર તરીકે સુનિલ જોષીનું સ્થાન લેશે. ચેતન શર્મા, ઉપરાંત એબે કુરુવિલા અને દેબાશિષ મોહંતી આ ત્રણ ખેલાડીઓ પણ પસંદી સમિતિના નવા સભ્યો હશે.


ચેતન શર્મા વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લેનારા બોલર છે. 1987ના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ચેતમ શર્માએ ત્રણેય બેટ્સમેનને ક્લીન બોલ્ડ કરીને હેટ્રિક નોંધાવી હતી.  1987માં ઓસ્ટ્રેલેશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ચેતન શર્માની બોલિંગમાં છેલ્લા બોલે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીતાડ્યું હતું. મદનલાલની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ 89મી વાર્ષિક સાધારણ બેઠકમાં નેશનલ સિલેક્ટર્સના નામની પસંદગી કરી છે. આ નવા ત્રણેય સભ્યો હાલના પસંદગી સમિતીના સભ્ય સુનિલ જોષી અને હરવિંદર સિંહ સાથે મળીને કામ કરશે.

આ જાહેરાત કરતાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, CACના સભ્ય મદનલાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાયક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મળ્યા. ત્રણેયે મળીને સિનિયર પસંદગી સમિતિ માટે ચેતન શર્મા, એબે કુરુવિલા અને દેબાશીષ મોહંતીના નામની ભલામણ કરી.

જય શાહે વધુમાં કહ્યું કે, CAC તરફથી સિનિયોરિટિના આધાર પર ચેતન શર્માને મુખ્ય પસંદગીકાર બનાવવની ભલામણ કરવામાં આવી છે. શર્માએ અન્યોની સરખામણીએ સૌથી વધારે ટેસ્ટ મેચ રમી છે.