નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહી છે. ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 242 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી હનુમા વિહારીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા જ્યારે પૂજારા અને પૃથ્વી શોએ 54-54 રન ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટીમ સાઉથી અને ટ્રેન્ડ બોલ્ટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વેગનરે એક વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ન્યૂઝિલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા હતા. ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતા
ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ઉતરી હતી. મયંક અગ્રવાલ બીજી ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો હતો અને સાત રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. બાદમાં પૂજારા અને પૃથ્વી શોએ મોરચો સંભાળ્યો હતો. બંન્ને વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. જોકે, પૃથ્વી શો 54 રન બનાવી આઉટ થતા આ જોડી તૂટી હતી.
બીજી ટેસ્ટમાં પણ કેપ્ટન કોહલીનું ખરાબ ફોર્મ યથાવત રહ્યુ હતું અને તે ત્રણ રનના અંગત સ્કોર પર સાઉથીનો શિકાર બન્યો હતો. પ્રથમ ટેસ્ટમાં કમાલ કરી શકનાર વાઇસ કેપ્ટન રહાણે આ મેચમાં ચાલ્યો નહી અને તે સાઉદીની ઓવરમાં સાત રન પર આઉટ થયો હતો.
રહાણેના આઉટ થયા બાદ પૂજારા અને વિહારીએ શાનદાર બેટિંગ કરી. બંન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 81 રનની પાર્ટનરશીપ થઇ હતી. જોકે વિહારી 55, પૂજારા 54 રન બનાવી આઉટ થયા હતા.
ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં બે ફેરફાર કર્યા છે. ઇશાંત શર્માના સ્થાને ઉમેશ યાદવ અને અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યો છે