INDW vs SAW Match Report: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ભારતે ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી. ભારતને બીજી ઇનિંગમાં જીતવા માટે 37 રન બનાવવાના હતા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને નૉટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 6 વિકેટે 603 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી શેફાલી વર્માએ 205 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 55 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 69 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે 86 રનની સારી ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ્મી ટકરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય એનડીની ડી ક્લાર્ક, તુમી સેખુખુને અને નોલ્કુકુલેકો માલાબાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. આ સિવાય એનેકે બોશ અને નેડિની ડી ક્લાર્કે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 8 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી હતી.
આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી લડત બતાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે લૌરા વૂલવર્ટ અને સુને લુસે સદીનો આંકડો પાર કર્યો હતો. લૌરા વૂલવર્ટે 122 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સુને લુસે 109 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેડિની ડી ક્લાર્કે 61 રનની સારી ઇનિંગ રમી હતી.
ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને હમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.