Wahab Riaz on Haris Rauf: પાકિસ્તાન ટીમના ફાસ્ટ બૉલર હરિસ રઉફને નેશનલ ટીમના મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝ તરફથી કડક ચેતવણી મળી છે. આ ચેતવણી તેને ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચવાને લઈને આપવામાં આવી છે. રઉફે તેની ફિટનેસ અને વર્ક લૉડને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી. તેના પર વહાબ રિયાઝે કહ્યું છે કે તે ગમે તેટલો મોટો ખેલાડી હોય, જો તે નેશનેલ ટીમને પ્રાથમિકતા નહીં આપે તો તે અમારી ભવિષ્યની યોજનાનો ભાગ નહીં બને. ખરેખરમાં, વર્લ્ડકપમાં મળેલી હારથી હેરિસ રાઉફ ખુબ જ નિરાશ છે અને તે હવે ક્રિકેટથી થોડોક સમય દુર રહીને વર્ક લૉડ ઓછો કરવા માંગે છે, આ સમયે તેની ફિટનેસ પણ એક મુદ્દો બન્યો છે.
વહાબ રિયાઝે કહ્યું, 'બે દિવસ પહેલા હરિસે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઉપલબ્ધ છે, હવે ગઈકાલે રાત્રે તેણે કહ્યું કે તે ફિટનેસ અને વર્ક લૉડને લઈને ચિંતિત છે અને તે ઉપલબ્ધ નથી. હાફિઝ અને મેં તેની સાથે લાંબી વાતચીત કરી અને તેને કહ્યું કે કૉચ અને કેપ્ટન ઈચ્છે છે કે તમે ઓસ્ટ્રેલિયામાં રમો. અમે તેને આશ્વાસન પણ આપ્યું હતું કે તેને એક દિવસમાં 10 થી 12 ઓવરથી વધુ બોલિંગ કરાવવામાં આવશે નહીં.
'કોઇ ગમે તેટલો મોટો ખેલાડી કેમ ના હોય...'
વહાબે કહ્યું, 'અમે ટીમના ફિઝિયો અને ટ્રેનર સાથે પણ હેરિસ વિશે વાત કરી અને તેઓએ કહ્યું કે હેરિસને ફિટનેસની કોઈ સમસ્યા નથી અને તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સમસ્યા નહીં હોય. અમને લાગે છે કે સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટેડ ખેલાડી હોવાને કારણે તેણે પાછળ હટવું ના જોઈએ. અમને લાગે છે કે ઈજાના કારણે નસીમ, હસનૈન અને એહસાનુલ્લાહની ગેરહાજરીમાં રઉફે બલિદાન આપવું જોઈએ અને પાકિસ્તાન માટે રમવું જોઈએ.
આ પછી રિયાઝે અંતે કહ્યું, 'ખેલાડી કોઈ પણ હોય અને તે ગમે તેટલો મોટો કેમ ના હોય, જો તે પાકિસ્તાન ટીમને પ્રાથમિકતા નહીં આપી રહ્યો હોય તો ભવિષ્યની અમારી યોજનામાં તેનો સમાવેશ નહીં થાય.'
પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
પાકિસ્તાનની ટીમ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ટેસ્ટ સીરીઝ માટે રવાના થશે. વહાબ રિયાઝે આ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બાબર આઝમે કેપ્ટનશીપ છોડ્યા બાદ પાકિસ્તાન ટીમની કમાન શાન મસૂદના હાથમાં રહેશે.