ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ હવે દક્ષિણ આફ્રિકામાં T20 લીગ શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ શુક્રવારે નવી છ ટીમની ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગની જાહેરાત કરી છે. આ લીગનું આયોજન આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે.
લીગના પ્રારંભિક તબક્કામાં તમામ ટીમો એકબીજા સામે બે વખત રમશે. ત્યારબાદ ટોચની ત્રણ ટીમો પ્લે-ઓફ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. લીગમાં કુલ 33 મેચો રમાશે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ આ ટુર્નામેન્ટમાં દરેક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીઓ હશે.
CSA CEOએ શું કહ્યુ?
CSAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફોલેત્સી મોસેકીએ કહ્યું, અમે આ નવી શરૂઆતને લઇને ઉત્સાહિત છીએ. તે ફ્રેન્ચાઈઝી દ્વારા ખાનગી રોકાણની તક પણ પૂરી પાડશે. મોસેકીએ જણાવ્યું હતું કે લીગ અને ટીમો બંને માટે એક ટકાઉ ટ્રેડિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, જે સારા પૈસા સાથે શ્રેષ્ઠ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આકર્ષિત કરશે.
CSA અને બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ દ્વારા રચાયેલી નવી કંપની ટુર્નામેન્ટનું સંચાલન કરશે. લીગની હરાજીની તારીખ, મેચનું ટાઇમટેબલ અને અન્ય વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. સ્પર્ધાની પ્રથમ સિઝન જાન્યુઆરી 2023માં દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તરત જ રમાશે.
SA માં હોસ્ટિંગનો અનુભવ
ક્રિકેટ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે દક્ષિણ આફ્રિકાને ખૂબ જ સુરક્ષિત દેશ માનવામાં આવે છે. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીને કારણે આઈપીએલની બીજી સીઝનનું દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. થોડા મહિના પહેલા ભારતીય ટીમ કોરોના વાયરસના કહેર વચ્ચે આ દેશના પ્રવાસે ગઈ હતી. ત્યારપછી ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ સીરિઝ શાનદાર રીતે આયોજિત કરી હતી.