નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar,)ને આઈસીસી(ICC)ની વોટિંગમાં માર્ચ મહિનાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભુવીએ ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર વાપસી કરી છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતમાં રમાયેલી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.  


સતત ત્રીજા મહિને ભારતીય ખેલાડીએ આઈસીસીનો આ ખાસ એવોર્ડ જીત્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં રિષભ પંત (Rishabh Pant) અને ફેબ્રુઆરીમાં રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the month) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિના માટે ભુવનેશ્વર કુમાર સિવાર અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાન અને ઝિમ્બાબ્લેના સીન વિલિયમ્સનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ વોટિંગ બાદ ભુવિને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. 




ભુવનેશ્વરે ગયા મહિને ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ રમી હતી અને 4.65ની ઇકોનોમી રેટથી 6 વિકેટ ઝડપી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી, જેમાં 6.38 ના શાનદાર ઇકોનોમી રેટ સાથે 4 વિકેટ ઝડપી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વ્હાઇટ બોલ સિરીઝમાં તે બંને ટીમોમાં શ્રેષ્ઠ બોલર રહ્યો હતો.



અન્ય દાવેદારોમાં રાશિદે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં તેની ટીમની જીત દરમિયાન 11 વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3-0થી જીત મેળવીને છ વિકેટ પણ ઝડપી હતી. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે અફઘાનિસ્તાન સામે બે ટેસ્ટ રમી જેમાં તેણે કુલ 264 રન બનાવ્યા અને બે વિકેટ લીધી. ત્યારબાદ તેણે ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી, જેમાં 128.57 ના સ્ટ્રાઈક રેટથી 45 રન બનાવ્યા હતા.