DC vs MI: દિલ્હીએ મુંબઈને જીતવા માટે  258 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર જેક ફ્રેઝર મેકગર્કે તોફાની બેટિંગ કરી હતી.  દિલ્હીએ તેના IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા છે. ફ્રેઝરે દિલ્હી માટે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે 27 બોલમાં 84 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સ્ટબ્સે 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. અભિષેક પોરેલે 36 રનનું યોગદાન આપ્યું હતું. શાઈ હોપ 41 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.


 




જેક ફ્રેઝર મેકગર્કની વિસ્ફોટક ઈનિંગ


દિલ્હી કેપિટલ્સના ધાકડ બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કે IPL 2024માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના પોતાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેકગર્કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અગાઉ આ જ સિઝનમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે મુંબઈ સામે જ મેચની ચોથી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે મેકગર્ક T20 ક્રિકેટમાં 15 કે તેથી ઓછા બોલમાં બે વખત અડધી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આન્દ્રે રસેલ અને સુનીલ નરેન આ કરી ચુક્યા છે.


 






મેકગર્કે તેની અડધી સદી પૂરી કરવા માટે 3 ગગનચુંબી છગ્ગા અને 7 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. એવું લાગી રહ્યું હતું કે મેકગર્ક ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારવાનો છે. પરંતુ તેની ઇનિંગ્સ 27 બોલમાં 84 રન પર સમાપ્ત થઈ, જેમાં તેણે 11 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા. ફ્રેઝર મેકગર્કે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 104 બોલ રમ્યા છે, જેમાં તેણે 22 ફોર અને 22 સિક્સર ફટકારી છે. જો આ આંકડાના આધારે જોવામાં આવે તો મેકગર્કે દરેક 5 બોલમાં લગભગ 2 બાઉન્ડ્રી ફટકારી છે. આ જ મેચમાં મેકગર્કે જસપ્રીત બુમરાહની એક ઓવરમાં 18 રન માર્યા હતા, જે અત્યાર સુધીની આઈપીએલ 2024માં બુમરાહની સૌથી મોંઘી ઓવર રહી છે.


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, નેહલ વઢેરા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, લ્યુક વૂડ, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.


દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
જેક ફ્રેઝર-મેકગર્ક, કુમાર કુશાગ્ર, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.