ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને UAE અને ઓમાનમાં રમાનાર ટી20  વર્લ્ડ કપ પહેલા ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.  ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આ ટૂર્નામેન્ટ અને IPL-2021માંથી બહાર થઈ  છે.  ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) મંગળવારે આ માહિતી આપી. ઇસીબીએ જણાવ્યું હતું કે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સની ઇન્ડિયન પ્રિમિયર લીગની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ સેમ કરને  પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. સ્કેન કરતા ઈજા  જોવા મળી હતી. 




ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મંગળવારે સેમ કરનની ઈજા પર નિવેદન જાહેર કરતા કહ્યું  સેમને આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમતા પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. બાદમાં સ્કેનના પરિણામોથી તેની ઈજાની જાણકારી મળી. હવે તે આગામી એક-બે દિવસમાં ઈંગ્લેન્ડ પરત ફરશે અને બીજીવાર સ્કેન કરાવશે. સાથે ઈસીબીની મેડિકલ ટીમ પણ આ સપ્તાહે તેની સ્થિતિની સમીક્ષા કરશે. 


ટી-20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ- ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, આદિલ રાશિદ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.


T20 World Cup: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો લાખોમાં વેચાઈ રહી છે



ટી20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇસીસી દ્વારા 3 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સોમવારે આ માહિતી આપી હતી. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સૌથી મોંઘી ટિકિટની કિંમત આશરે 2 લાખ રૂપિયા છે, જે સામાન્ય કરતાં લગભગ 333 ગણી મોંઘી છે.



આઈસીસીએ કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં તમામ સ્થળો આશરે 70 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત થશે. ઓમાન ક્રિકેટ એકેડેમીએ 3000 દર્શકોને આવકારવા માટે હંગામી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આઇસીસી અને યજમાનો કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ દર્શકોનું સ્વાગત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) વહીવટ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. યુએઇની વાત કરીએ તો સૌથી ઓછી કિંમતની ટિકિટ 600 રૂપિયામાં ઉપલબ્ધ છે. પરંતુ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. મેચની ટિકિટ 333 ગણી મોંઘી વેચવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં ટિકિટો વેચાઈ ગઈ હતી.