ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક ટ્રિકી વીડિયો પૉસ્ટ કર્યો છે, વીડિયોમાં પીટરસને બતાવ્યુ કે તેની ગરદન શરીરમાંથી અલગ થઇ ગઇ છે, અને તેનુ માથુ આપોઆપ સીડી પરથી નીચે સરકી રહ્યું છે. તેના શરીરનો બાકીનો ભાગ એક સ્થાન પર સ્થિર થઇ ગયો છે.
એટલે કે માથુ ધડથી અલગ થઇ ગયુ છે, તે ફેન્સને મનોરંજનની સાથે સાથે ચોંકાવી પણ રહ્યું છે. પીટરસને વીડિયો પૉસ્ટ કરતાં લખ્યું- શું બીજા કોઇએ પણ લૉકડાઉનમાં પોતાનુ માથુ ગુમાવી દીધુ છે......
પીટરસન હાલ ક્રિકેટના મેદાન પર નહીં કૉમેન્ટ્રી બૉક્સમાં જોવા મળી રહ્યો છે. પીટરસને કોરોના મહામારી સામે સકારાત્મક પક્ષ શોધી કાઢ્યો છે. ટ્વીટર પર તેમને કોરોનાને ધન્યવાદ પણ આપ્યા છે, તેમને કહ્યું કે, કોરોના આવ્યા બાદ ગાલ પર કિસ કરવા અને કોઇપણ કામ વિના હાથ મિલાવવાનો રિવાજ ખતમ થઇ ગયો છે.
નોંધનીય છે કે, કોરોના કાળમાં લૉકડાઉનમાં મોટા ભાગના ક્રિકેટરો સોશ્યલ મીડિયામાં કંઇકને કંઇક પ્રવૃતિ કરી રહ્યાં છે, કેટલાક લોકો લાઇવ સેશન આપીને ફેન્સની સાથે મજા લઇ રહ્યાં છે, તો કેટલાક મનોરંજક અને મજેદાર વીડિયો બનાવી રહ્યાં છે.