અમદાવાદઃ કોરોનાકાળમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. હાલ ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. વન ડે સીરિઝમાં હાર બાદ ભારતે ટી-20 શ્રેણી જીતી હિસાબ સરભર કર્યો હતો અને હવે થોડા જ દિવસમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ દરમિયાન ફેબ્રુઆરી, 2021માં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

ઇંગ્લેંડની ટીમ ફેબ્રુઆરીમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ, વનડે અને T-20 રમશે. જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

શહેરમાં ક્રિકેટ ફિવર છવાશે

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચથી સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચનું ખાતમુહૂર્ત થશે. 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થશે. જેપૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલ થી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.  અમદાવાદમાં ફેબ્રુઆરીમાં ક્રિકેટ ફિવર છવાશે.