એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર શરૂઆત કરી છે. તેણે લોર્ડ્સમાં પ્રથમ દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 339 રન બનાવ્યા છે. દિવસની રમતના અંતે સ્ટીવ સ્મિથ 85 અને એલેક્સ કેરી 11 રને અણનમ છે. કાંગારૂ ટીમ માટે સ્મિથ ઉપરાંત ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે અડધી સદી ફટકારી હતી. હેડે 73 બોલમાં 77 રન બનાવ્યા હતા. વોર્નરે 88 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. લાબુશેન અડધી સદીથી ચૂકી ગયો અને 47 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારનાર ઉસ્માન ખ્વાજા 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેમરૂન ગ્રીન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને જોશ ટોંગે બે-બે વિકેટ લીધી હતી. ઓલી રોબિન્સનને એક સફળતા મળી હતી.


અગાઉ ઇંગ્લેન્ડની ટીમે હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી કાંગારુઓએ ટીમ પર લગામ લગાવવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઈંગ્લેન્ડ માટે કોઈ બોલર કાંગારુ ટીમ પર દબાણ બનાવી શક્યો નહોતો. આ સિવાય જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ નિષ્ફળ રહ્યા હતા.






સ્ટીવ સ્મિથે આ સિદ્ધિ હાંસલ કરી


સ્ટીવ સ્મિથે પોતાની ઇનિંગના દમ પર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 9 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. સ્મિથે તેની 174મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે આ તેની કારકિર્દીની 99મી ટેસ્ટ મેચ છે.


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન કુમાર સંગાકારાના નામે છે, જેમણે પોતાની 172મી ટેસ્ટ ઇનિંગ્સમાં આ જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો હતો. 109 ટેસ્ટ રમ્યા બાદ પણ વિરાટ કોહલી નવ હજાર રન પુરા કરી શક્યો નથી.


મેદાનમાં પ્રદર્શનકારીઓ ઘૂસ્યા


લોર્ડ્સ ટેસ્ટની શરૂઆત ખૂબ જ હોબાળા સાથે થઇ હતી. દિવસની શરૂઆત દરમિયાન બે પ્રદર્શનકારીઓ પ્રથમ ઓવર પછી સીધા જ મેદાનમાં ઘૂસ્યા હતા અને પીચને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોની બેયરસ્ટોએ એકને પકડી લીધો અને તેને ઉપાડીને મેદાનની બહાર લઈ ગયો હત. . ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડે વિરોધ કરનારને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો.


જો કે આ દરમિયાન બીજો પ્રદર્શનકારી પીચ બગાડવા માટે આગળ વધ્યો પરંતુ ખેલાડીઓ અને ગાર્ડે તેને રોક્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીએ પીચ પર નારંગી પાવડર નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પીચ પર પડ્યો નહોતો.