Faf Du Plessis Can Return South Africa Team: સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ તાજેતરમાં ટીમના વ્હાઈટ બોલના કોચ રોબ વોલ્ટર સાથે મુલાકાત કરી હતી.  રિપોર્ટ અનુસાર 'ડુ પ્લેસિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સંભવિત વાપસી અંગે ચર્ચા કરી હતી.  જોકે તેણે 2 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ ફાફ ડુ પ્લેસિસે ODI અને T20 ઈન્ટરનેશનલમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની લાંબા સમયથી સાઉથ આફ્રિકા માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પણ નથી રમ્યો. 


વિશ્વકપમાં નજરઅંદાજ કરવામાં આવ્યો 


વર્ષ 2021 અને 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં તેની ઉપલબ્ધતા  છતાં સાઉથ આફ્રિકાની ટીમના પસંદગીકારોએ તેને નજરઅંદાજ કર્યો. આ દરમિયાન  ડુ પ્લેસિસે વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં સમાપ્ત થયેલ સાઉથ આફ્રિકા T20 લીગમાં તે બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ લીગમાં તેણે 10 મેચમાં 369 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા T20 લીગમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 113 રન હતો.


2 વર્ષ પહેલા રમી હતી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 


ફાફ ડુ પ્લેસિસની વાત કરીએ તો તેણે 2019 ક્રિકેટ વર્લ્ડ કપ બાદથી એક પણ ODI રમી નથી, જ્યારે 2 વર્ષ પહેલા 2020માં તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ તરીકે ઈંગ્લેન્ડ સામે T20 મેચ રમી હતી. ડુ પ્લેસિસ ટૂંક સમયમાં ટીમમાં પરત ફરવાની અને પોતાના બહુમૂલ્ય અનુભવનું યોગદાન આપવાની આશા રાખે છે.


વિન્ડીઝ સામેની ટી-20 શ્રેણી જાહેર કરાશે


રેપપોર્ટ અખબાર અનુસાર, 'ડુ પ્લેસિસે કોચ વોલ્ટર સાથે વાતચીત કરી હતી. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેને આગામી વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં. વિન્ડીઝ સામેની ટી-20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત 6 માર્ચે કરવામાં આવશે.


માર્કરામ કેપ્ટન બની શકે છે


ટેમ્બા બાવુમાના સ્થાને એઇડન માર્કરામ ટી-20નો કેપ્ટન બનાવવામાં આવે તેવી અપેક્ષા છે. માર્કરામે દક્ષિણ આફ્રિકા T- 20 લીગમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપને ખિતાબ જીતાડવામાં આગેવાની લીધી હતી.  ત્યારબાદ તેને આઈપીએલ-2023 માટે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના  બાવુમા મોટાભાગે કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો છે. તેનું પ્રદર્શન ઘણી મેચોમાં સારુ રહ્યું નથી.