WPL Auction: વૂમન્સ પ્રીમિયર લીગની મિની ઓક્શનની આજે ધમાકેદાર શરૂઆત થઈ છે. મુંબઈમાં ચાલી રહેલી આ હરાજીમાં પહેલા જ ખેલાડી પર 1 કરોડ રૂપિયાનો દાંવ લગાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ફોબી લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. ફીબીની બેઝ પ્રાઇસ 30 લાખ હતી. યુપી વૉરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે તેને ખરીદવા માટે જોરદાર સ્પર્ધા હતી. અંતે ગુજરાત ફ્રેન્ચાઇઝીએ આ રેસ જીતી લીધી હતી.
ધમાકેદાર અંદાજમાં બનાવે છે રન
ફીબી લિચફિલ્ડ માત્ર 20 વર્ષની છે. તેની બેટિંગ શૈલી ખુબ જ આક્રમક છે. T20 ક્રિકેટમાં તે ખૂબ જ વિસ્ફોટક રીતે રન બનાવે છે. તેણે અત્યાર સુધી માત્ર 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. અહીં તેની બેટિંગ એવરેજ 49.50 અને સ્ટ્રાઈક રેટ 220 છે.
એક વર્ષ પહેલા મુંબઇમાં ડેબ્યૂ, હવે તેની કિસ્મત ચમકી
ફીબી ડાબોડી બેટ્સમેન છે, અને ડાબા હાથથી ધમાકેદાર બેટિંગ કરે છે. તેણે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બરાબર એક વર્ષ પહેલા, 11 ડિસેમ્બરે, તેણે ભારતમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે મુંબઈનું સ્ટેડિયમ હતું અને સામે ભારતીય ટીમ હતી. હવે આખા વર્ષ પછી તેનું નસીબ ફરી એકવાર મુંબઈમાં ચમક્યું છે.
વનડેમાં પણ દમદાર છે રેકોર્ડ
ફીબી લિચફિલ્ડે પણ આ એક વર્ષમાં ODI અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી આ ખેલાડીએ 11 વનડે અને એક ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટમાં ફીબીની બેટિંગ એવરેજ 34.50 અને વનડેમાં તેની બેટિંગ એવરેજ 49.14 રહી છે. અત્યાર સુધી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. ફીબી તેના ડાબા હાથથી સ્પિન બૉલિંગ પણ કરી શકે છે.
--