મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને થોડા સમય પછી તેમને જામીન મળી ગયા હતા. વિનોદ કાંબલી પર આરોપ છે કે તેણે મુંબઈના બાંદ્રામાં તેની સોસાયટીના ગેટમાં પોતાની કારથી ટક્કર મારી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
વિનોદ કાંબલી સામે આઈપીસીની કલમ 279 ( ખરાબ ડ્રાઇવિંગ), 336 (પોતાના અને અન્યના જીવને જોખમમાં મૂકવું) અને 427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાંદ્રા પોલીસે આ જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપી હતી.
કાંબલીએ ઘટના બાદ સંકુલના ચોકીદાર અને કેટલાક રહેવાસીઓ સાથે કથિત રીતે દલીલ પણ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. જે બાદ મામલો વધી ગયો અને તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું છે કે વિનોદ કાંબલીની મેડિકલ તપાસ ભાભા હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેમના બ્લડ સેમ્પલ પણ સીએ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.