IND vs ENG 1st T20 Match: વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ, ભારતીય ટીમ મેનેજમેન્ટ નવી T20 ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ટૂંકા ફોર્મેટમાં, અભિષેક શર્મા એવા ખેલાડીઓમાંથી એક છે જેમને ટોચના ક્રમમાં સતત તકો મળી છે પરંતુ તે પોતાના પ્રદર્શનમાં સાતત્ય લાવવામાં નિષ્ફળ રહ્યો છે. અભિષેક પાસે મેદાનની ચારે બાજુ શોટ મારવાની ક્ષમતા છે અને જુલાઈ 2024 માં તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ અભિષેક વિશે મોટું નિવેદન આપ્યું છે.
આકાશ ચોપરાએ અભિષેક શર્માના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, "અભિષેકના ફોર્મમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. તેણે પોતાની કારકિર્દીની બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. તે પ્રતિભાથી ભરપૂર છે, પરંતુ તેના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી. મને લાગે છે કે આ તેની છેલ્લી તક છે. જો તે સારું પ્રદર્શન કરશે તો ટીમમાં બની રહેશે. તેણે આ 5 મેચમાં પોતાને સાબિત કરવાનો રહેશે.
આ કરો યા મરોની લડાઈ, નહીંતર...
આકાશ ચોપરાએ કહ્યું કે અભિષેક શર્માએ એ જ કામ કરવું પડશે જે સંજુ સેમસન છેલ્લી 3 મેચમાં કર્યું છે. જો આવું નહીં થાય તો યશસ્વી જયસ્વાલ અથવા બીજું કોઈ તેમનું સ્થાન લેશે. અભિષેક શર્માએ અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 11 ઇનિંગ્સમાં 171.81 ના સ્ટ્રાઇક રેટથી 256 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે, પરંતુ તેની સરેરાશ 23.27 ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં, અભિષેકે તેની T20 કારકિર્દીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની વાત કરીએ તો, પહેલી મેચ 22 જાન્યુઆરીએ એટલે કે આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણીનો આ પહેલો મેચ હશે. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ છેલ્લે ઈડન ગાર્ડન્સમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડ જીતી ગયું હતું. તમને જણાવી દઈએ કે, અભિષેકની સાથે સાથે સંજુ સેમસન પર પણ બધાની નજર રહેશે. કારણ કે, તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શન કરતા છતા તેને ચેમ્પિયન ટ્રોફીમાં સ્થાન મળ્યું નથી.
આ પણ વાંચો...