Misbah Ul Haq Says Pakistan Team Go To India For ODI Word Cup 2023: ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી ICC ODI વર્લ્ડ કપની શરૂઆત થશે. 10 ટીમોની આ મેગા ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 9 ટીમોનું ભારત આવવાનું નક્કી થયું છે. ત્યારે પાકિસ્તાનની ટીમને લઈને હજુ પણ મૂંઝવણ છે. ભારત અને પાકિસ્તાનના પરસ્પર સંબંધોની અસર આ ટૂર્નામેન્ટ પર પણ જોવા મળી રહી છે. આ દરમિયાન પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેમની ટીમે વર્લ્ડ કપ રમવા માટે ભારત જવું જ જોઈએ.
પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન મિસ્બાહ-ઉલ-હકે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી વિશે કહ્યું હતું કે જો બંને દેશો વચ્ચે અન્ય તમામ રમતો ચાલુ રહે છે, તો પછી ક્રિકેટ કેમ ન રમાય ? ક્રિકેટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ. ચાહકો પોતપોતાની ટીમને રમતા જોવા માંગે છે અને તમે તેને રોકીને તેમની સાથે ખોટું કરી રહ્યા છો.
પોતાના નિવેદનમાં મિસ્બાહ-ઉલ-હકે વધુમાં કહ્યું કે, અમારે કોઈપણ શંકા વિના વિશ્વકપમાં રમવા માટે અમારી ટીમને ભારત મોકલવી જોઈએ. હું ત્યાં ઘણી વખત રમ્યો છું. અમે ત્યાંના દબાણ અને પ્રેક્ષકોના સમર્થનનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. આ તમને પ્રેરણા આપે છે તેમજ અમારી ટીમ માટે ત્યાંની પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે.
પાકિસ્તાન ભારત સાથે 15 ઓક્ટોબરે રમશે
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલ અનુસાર, પાકિસ્તાનની ટીમ તેની મેચો ભારતના 6 શહેરોમાં રમશે. આ સિવાય પાકિસ્તાનની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે મેચ રમવાની છે. આ મેચને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં દરેક મેચની ટિકિટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ICC તરફથી મળતું ફંડિંગ બધ થઇ જશે
જો પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે તો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) PCBને ફંડ આપવાનું બંધ કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમાણીનો 50 ટકા હિસ્સો ICCમાંથી આવે છે. ICCની ડિસ્ટ્રિબ્યુશન પ્લાન મુજબ આગામી 4 વર્ષમાં (2024-27) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 285 કરોડ રૂપિયા મળવાના છે. ભંડોળ ના મળતા પીસીબીની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.