ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ચાર વર્ષના લાંબા ગાળા બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. ગૌતમ ગંભીર લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેશે. ગૌતમ ગંભીરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમશે. ગૌતમ ગંભીર ભારત માટે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યો છે.


ગૌતમ ગંભીરને મોટી મેચોના ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં ગૌતમ ગંભીરે 97 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આટલું જ નહીં ગૌતમ ગંભીરે 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગંભીરનો આઈપીએલમાં પણ સારો રેકોર્ડ હતો અને તેના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 2012 અને 2014માં ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.


ગૌતમ ગંભીરે કહ્યું, “મને જણાવતા આનંદ થાય છે કે હું લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેવા જઈ રહ્યો છું. 17 સપ્ટેમ્બરથી હું લીગમાં રમવા માટે ઉપલબ્ધ થઈશ. હું ફરીથી ક્રિકેટના મેદાન પર પરત ફરવા માટે ઉત્સાહિત છું. ક્રિકેટના મેદાન પર આવવું મારા માટે ગર્વની વાત છે.”


લીગ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે


લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ રમણ રહેજાએ પણ ગંભીરની રમત પર ખુશી વ્યક્ત કરી છે. રાહજાએ કહ્યું કે, ક્રિકેટના મેદાનમાં ગંભીરના યોગદાનને કોણ ભૂલી શકે છે. ગંભીરે ભારતને વર્લ્ડ કપ વિજેતા બનાવ્યું છે. ગંભીરના આગમન સાથે લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો અનુભવ વધુ અદભૂત થવાનો છે.


તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે ભારત મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે એક ખાસ મેચનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પછી 17 સપ્ટેમ્બરથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ શરૂ થશે. ઈન્ડિયા મહારાજાનું નેતૃત્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કરશે. વર્લ્ડ જાયન્ટ્સનું નેતૃત્વ ઇયોન મોર્ગન કરશે.