Happy Birthday Herschelle Gibbs: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર હર્શલ ગિબ્સ આજે (23 ફેબ્રુઆરી) 49 વર્ષના થઈ ગયો છે. વનડેમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવવા ઉપરાંત ગિબ્સે ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જ્યારે તે મેદાન પર બેટિંગ માટે આવતો ત્યારે વિરોધી બોલરોમાં ડર રહેતો.
એકવાર હર્શલ ગિબ્સ દારૂના નશામાં બેટિંગ કરવા ગયો હતો અને તે જ સમયે તેણે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. ગિબ્સે પોતે આ બાબતનો ખુલાસો કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાએ જોહનિસબર્ગમાં ઇતિહાસ રચ્યો
ઉલ્લેખનીય છે કે નશામાં હર્ષલ ગિબ્સની આ ઐતિહાસિક ઇનિંગ 12 માર્ચ, 2006ના રોજ જોહનિસબર્ગ ODI મેચમાં આવી હતી. આ મેચ ક્રિકેટ ઈતિહાસમાં નોંધાયેલ છે. વાસ્તવમાં આ મેચમાં ગિબ્સની ઇનિંગના કારણે દક્ષિણ આફ્રિકાએ ક્રિકેટના ઇતિહાસમાં 335 રનના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો.
જોહનિસબર્ગ વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટે 334 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 105 બોલમાં 164 રનની ઇનિંગ રમી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમને 335 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ગિબ્સે નશાની હાલતમાં ઐતિહાસિક ઇનિંગ રમી હતી
આ મેચમાં હર્ષલ ગિબ્સ ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. ત્યારબાદ તેણે 111 બોલમાં 175 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 સિક્સ અને 21 ફોર ફટકારી હતી. તે મેચમાં ગિબ્સે 142 મિનિટ બેટિંગ કરી હતી. આ ઇનિંગના કારણે દક્ષિણ આફ્રિકાએ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે.
મેચ બાદ ખબર પડી કે ગિબ્સે દારૂના નશામાં આ ઇનિંગ રમી હતી. પાછળથી ગિબ્સે પોતે પણ ખુલાસો કર્યો કે તે દાવ દરમિયાન તે દારૂના પ્રભાવ હેઠળ હતો. ગિબ્સે આત્મકથા 'ટુ ધ પોઈન્ટઃ ધ નો-હોલ્ડ્સ-બાર્ડ'માં જણાવ્યું હતું કે તે મેચની આગલી રાતે તેણે ખૂબ દારૂ પીધો હતો અને મેચના દિવસે તે હેંગઓવરમા હતો.
વન-ડેમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી
2007 વન-ડે વર્લ્ડ કપમાં ગિબ્સે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો. ગિબ્સે નેધરલેન્ડ સામે આ વન-ડે રેકોર્ડ બનાવ્યો હતો. ગિબ્સે વેન બુંગે ઓવરમાં સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી.