India vs Australia Womens Semifinal: ICC T20 મહિલા વર્લ્ડકપ 2023 માં આજે (23 ફેબ્રુઆરી) પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે. આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે. તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમિફાઈનલ મેચ સરળ રહેવાની નથી, કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. જો છેલ્લી પાંચ મેચોને પણ જોવામાં આવે તો તેમાં પણ ભારતીય ટીમ પાછળ જોવા મળી રહી છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય ટીમની નબળી બાજુ જોવા મળી રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં માત્ર કાંગારૂ ટીમ જ 4 વખત જીતી શકી છે. જ્યારે ભારતીય ટીમને માત્ર એક જ મેચમાં જીત મળી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ મેચમાં સતત હાર્યું છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ વખતે પણ દબાણમાં જોવા મળી શકે છે.
જો ઓવરઓલ T20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘણી નબળી દેખાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર 6 મેચ જીતી શકી છે. જ્યારે 22માં તેમનો પરાજય થયો હતો. એક મેચ અનિર્ણિત રહી હતી અને એક ટાઈ રહી હતી.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મહિલા T20 રેકોર્ડ
કુલ T20 મેચઃ 30
ભારત જીત્યું: 6
ઓસ્ટ્રેલિયા જીત્યું: 22
અનિર્ણિત: 1
ડ્રો: 1
ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચ આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે.