નવી દિલ્હીઃઇગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ વચ્ચે હાલમાં ટી-20 સીરિઝ રમાઇ રહી છે. ઇગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને ભલે હાર મળી હોય પરંતુ હરલીન દેઓલે કરેલા કેચની ચારેકોર ચર્ચા છે. ઇગ્લેન્ડ સામેની મેચમાં હરલીને એવો કેચ કર્યો કે ચારેકોર તેની ચર્ચા છે. ઇગ્લેન્ડની ખેલાડી એમી જોન્સે 19મી ઓવરમાં એક બોલ પર સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઉન્ડ્રી પર ઉભેલી હરલીન દેઓલે હવામાં ડાઇવ લગાવીને શાનદાર કેચ ઝડપ્યો હતો. કેચ પકડવાના પ્રયાસમાં  હરલીન બાઉન્ડ્રીની બહાર જતી રહી હતી અને જોકે, દરમિયાન તેણે ચપળતા બતાવી બોલને મેદાનની અંદર હવામાં ઉછાળ્યો હતો અને બોલ જમીન પર પડે તે અગાઉ ડાઇવ લગાવીને કેચ ઝડપી લીધો હતો. હાલમાં હરલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


ભારતના મહાન બેટ્સમેન સચિન તેડુંલકરે પણ હરલીનના કેચના વખાણ કર્યા હતા. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર હરલીનના કેચનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, આ શાનદાર કેચ હતો. હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.




 


ભારતની ટીમ ભલે ઇગ્લેન્ડ સામે ટી-20 મેચમાં હારી ગઇ હોય પરંતુ હરલીનના કેચે મેચને યાદગાર બનાવી દીધી હતી. લોકો હરલીનની ફિલ્ડિંગની પ્રશંસા સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. આ અગાઉ ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચમાં સ્મૃતિ મંધાનાએ બાઉન્ડ્રી પર પકડેલા કેચની પણ ખૂબ ચર્ચા થઇ હતી.


નોંધનીય છે કે આ ટી-20 મેચમાં  પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 177 રન બનાવી લીધા હતા. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ 8.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 54 રન બનાવી શકી હતી. બાદમાં વરસાદના કારણે રમત અટકાવી દેવામાં આવી હતી. સતત વરસાદના કારણે આગળની રમત શક્ય બની શકી નહોતી. બાદમાં યજમાન ટીમ ઇગ્લેન્ડને ડકવર્થ લૂઇસના નિયમ હેઠળ 18 રનથી વિજેતા જાહેર કરવામાં આવી હતી.