Haryana Cricketer Mrinank Singh Arrest: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સાથે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા હરિયાણાના પૂર્વ ક્રિકેટર મૃણાકસિંહની ધરપકડ કરવામાં આવી છે. મૃણાંક હોંગકોંગ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે તેને દબોચી લીધો હતો. મૃણાંક હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. તે ફરીદાબાદનો રહેવાસી છે અને તેની ઉંમર 25 વર્ષની છે.
ઋષભ પંત ઉપરાંત મૃણાંકે ઘણાબધા લોકો સાથે છેતરપિંડી પણ કરી છે, જેમાં લક્ઝરી હૉટેલ્સથી લઈને દરેક વસ્તુનો સમાવેશ થાય છે. મૃણાંકે પોતાને કર્ણાટકનો ADG કહીને ઘણા લોકો અને હૉટલ સાથે છેતરપિંડી કરી છે. આ સિવાય મૃણાંક આઈપીએલ રમતા ક્રિકેટર હોવાનો ડોળ કરીને એક મોંઘી હૉટલમાં રોકાયો હતો અને બિલ ભર્યા વિના જ નીકળી ગયો હતો અને કહ્યું હતું કે આખું બિલ પછીથી ચૂકવી દેવામાં આવશે. છેતરપિંડી કરવા માટે મૃણાંકે પોતાને મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ ક્રિકેટર ગણાવ્યો હતો. એવી જ રીતે હરિયાણાના પૂર્વ ક્રિકેટરે ઘણા લોકોને પાગલ બનાવીને છેતર્યા.
ઋષભ પંત સાથે શું કરી છેતરપિંડી ?
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઋષભ પંત અને મૃણાંકસિંહ 2013-14 દરમિયાન એક કેમ્પમાં મળ્યા હતા. આ પછી મૃણાંકે 2020-21 ની આસપાસ ઋષભ પંતનો સંપર્ક કર્યો અને કહ્યું કે તે લક્ઝરી વસ્તુઓની ખરીદી અને વેચાણનો વ્યવસાય શરૂ કરી રહ્યો છે, ત્યારબાદ ઋષભ પંતે હરિયાણાના ભૂતપૂર્વ ક્રિકેટર પાસેથી કેટલીક વસ્તુઓ ખરીદી, જે પંતને ક્યારેય મળી નથી. આ પછી બંને વચ્ચે બીજી વાતચીત થઈ અને મૃણાંકે ઋષભ પંતને 1.63 કરોડ રૂપિયાનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો. આ રીતે પંત સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.
પહેલા પણ થઇ ચૂકી છે મૃણાંકસિંહની ધરપકડ
આ પહેલીવાર નથી જ્યારે મૃણાંકની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. અગાઉ પંચકુલા અને મુંબઈ પોલીસે મૃણાંકની વિવિધ છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી.