Cricket Update: ક્રિકેટની દુનિયામાં મહાકુંભ એટલે કે વર્લ્ડકપની શરૂઆત આગામી થોડાક મહિનાઓમાં જ થવાની છે, પરંતુ આ પહેલા આઇસીસી દ્વારા નેકસ્ટ 2024ના ટી20 વર્લ્ડકપને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. ખાસ વાત છે કે, આગામી 2023 વનડે વર્લ્ડકપ ભારતમાં 5 ઓક્ટોબરથી રમાવવાનો છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આઈસીસી ટૂર્નામેન્ટ યોજાવાની છે. 4 થી 30 જૂન દરમિયાન મેચ રમાઇ શકે છે. આમાં પ્રથમવાર 20 ટીમોને રમવાનો મોકો મળશે. અત્યાર સુધીમાં 15 ટીમોએ વર્લ્ડકપમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટ અમેરિકામાં યોજાવા જઈ રહી છે. અમેરિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપમાં પણ ઉતરશે.


ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, 4 થી 30 જૂન સુધી ટી20 વર્લ્ડકપની મેચો રમાઈ શકે છે. આ મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના 10 સ્થળો પર રમાવવાની છે. અમેરિકાની વાત કરીએ તો ટૂર્નામેન્ટ માટે ફ્લૉરિડા, મૉરિસવિલે, ડલ્લાસ અને ન્યૂયોર્કને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આઈસીસીની ટીમ ટૂંક સમયમાં અહીંની મુલાકાતે જવાની છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર નથી. આવામાં વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં શિફ્ટ થઈ શકે છે.


5-5 ટીમોનું 4 ગૃપ - 
ટૂર્નામેન્ટ વિશે વાત કરીએ તો 20 ટીમોને 5 ટીમોના 4 જૂથોમાં વહેંચવામાં આવશે. ગ્રુપ રાઉન્ડ બાદ ચાર ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-8માં જશે. સુપર-8માં પણ 4-4 ટીમોના 2 ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સેમી ફાઇનલમાં જશે. આવામાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. ICC 2024 થી 2031 વચ્ચે 8 વૈશ્વિક ઈવેન્ટ્સનું આયોજન કરશે. ટી20 વર્લ્ડકપ આ એડિશનમાં પ્રથમ મેગા ઈવેન્ટ હશે.


યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગીની અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થયા છે. અમેરિકાના ક્વૉલિફાયર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે. અહીંથી 2 ટીમોને ટિકિટ મળશે. બીજીબાજુ ઓક્ટોબર-નવેમ્બરમાં એશિયા ક્વૉલિફાયરમાંથી 2 ટીમો જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર આફ્રિકા ક્વૉલિફાયરમાંથી એક ટીમનું વર્લ્ડકપ રમવાનું સપનું પૂરું થશે.


 


ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો 2022નો ટી20 વર્લ્ડકપ - 
ઉલ્લેખનીય છે કે, 2022માં યોજાયેલા ટી20 વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ બીજીવાર T20 ચેમ્પિયન બન્યું છે. પ્રથમવાર ઇંગ્લિશ ટીમે 2010માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.


આ ખેલાડીઓ આગામી ટી20 વર્લ્ડકપ (2024)માંથી થઇ શકે છે બહાર - 
બીસીસીઆઇએ 2024માં રમાનાર ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો લીધો છે, બૉર્ડ તરફથી કહેવામા આવ્યુ છે કે, રવિચંદ્નન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ભુવનેશ્વરકુમાર, આગામી વર્લ્ડકપ યોજનામાંથી પુરેપુરી રીતે બહાર છે. આ ઉપરાંત આ લિસ્ટમાં કેપ્ટન રોહિત શર્માનું પણ નામ જોડવામાં આવ્યુ છે. જોકે, વિરાટ કોહલીનુ નામ આ લિસ્ટમાં સામેલ નથી.  


સુકાનીપદમાં ફેરફાર બાદ ભારતીય ટીમ - 


T20 ફોર્મેટ - હાર્દિક પંડ્યા - T20 ફોર્મેટમાં કમાન સંભાળશે
ODI ફોર્મેટ - રોહિત શર્મા - ODIમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે
ટેસ્ટ ફોર્મેટ - ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.