ICC Cricket World Cup 2023: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની 29મી મેચ રમાઇ રહી છે. આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ વર્લ્ડકપ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમોની છઠ્ઠી મેચ છે. ભારત તેની તમામ પાંચ મેચ જીતીને મેદાનમાં ઉતર્યું છે, જ્યારે ઈંગ્લેન્ડને અત્યાર સુધી માત્ર એક જ મેચમાં જીતનો સ્વાદ ચાખવાની તક મળી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. જાણો કાળી પટ્ટી બાંધવા પાછળ શું છે કારણ.........
ભારતીય ટીમના ખેલાડીઓએ કેમ બાંધી છે કાળી પટ્ટી -
ખરેખર, ઈંગ્લેન્ડ સામેની આ વર્લ્ડકપ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી પહેરી છે. આ કાળી પટ્ટી પહેરવાનો હેતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર દિવંગત બિશન સિંહ બેદીને શ્રદ્ધાંજલિ આપવાનો છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું 23 ઓક્ટોબરે નિધન થયું હતું. આ મહાન ભારતીય ક્રિકેટરને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તેમના હાથ પર કાળી પટ્ટીઓ પહેરી છે. બીસીસીઆઈએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે.
જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે બૉલિંગ કરવાનો નિર્ણય કરીને પોતાને સાચો સાબિત કર્યો છે. તેમના બૉલરોએ માત્ર 40 રનમાં ત્રણ ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શુભમન ગીલ 9 રન, વિરાટ 0 અને શ્રેયસ અય્યર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. ગીલ અને અય્યરને ક્રિસ વૉક્સે આઉટ કર્યા હતા જ્યારે વિરાટ કોહલીની વિકેટ ડેવિડ વિલીએ લીધી હતી. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે કે નહીં.