World Cup 2023 Pakistan Cricket Team: આ વખતે ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. તમામ ક્રિકેટ ચાહોકની નજર ભારત-પાકિસ્તાનના હાઈ વોલ્ટેજ મુકાબલા પર છે. પાકિસ્તાન ટીમ પર પહેલાથી જ વર્લ્ડ કપનું દબાણ જોવા મળી રહ્યું છે. ટીમ વર્લ્ડ કપ પહેલા ફિઝિયોલોજિસ્ટની શોધમાં છે. પાકિસ્તાન વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. બીજી તરફ પાકિસ્તાન 14 ઓક્ટોબરે ભારત સામે મોટી મેચ રમશે.


ક્રિકેટ પાકિસ્તાનના એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપના દબાણનો સામનો કરવા માટે એક મનોવિજ્ઞાનીને ટીમ સાથે મોકલવા પર વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઘણા સમયથી મેચ રમી નથી. એટલા માટે ટીમ સાથે મનોવિજ્ઞાનીને મોકલવાનો વિચાર ચાલી રહ્યો છે. અપેક્ષાઓ ટીમના ખેલાડીઓ પર દબાણ બનાવી રહી છે.


2012માં પાકિસ્તાન ફિઝિયોલોજિસ્ટ સાથે આવ્યું હતું ભારત પ્રવાસે


ફિઝિયોલોજિસ્ટ ટીમના ખેલાડીઓનું મનોબળ વધારવાનું કામ કરશે અને તેમને કોઈપણ રીતે દબાણથી દૂર રાખવાનો પ્રયાસ કરશે. જેના કારણે ફિઝિયોલોજિસ્ટની શોધ તેજ ગતિએ ચાલી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસ પહેલા ફિઝિયોલોજિસ્ટની શોધમાં હોય. અગાઉ 2012માં જ્યારે પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ કર્યો ત્યારે મકબૂલ બાબરી મુલાકાતી ટીમના ફિઝિયોલોજિસ્ટ હતા. 2012માં પાકિસ્તાને વનડે શ્રેણી 2-1થી જીતી હતી. આ સાથે જ ટી-20 શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી.


બાબર આઝમ સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય


પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓને ભારતની ધરતી પર રમવાનો અનુભવ નથી. આવી સ્થિતિમાં દબાણનો સામનો કરવા માટે PCB પોતાના ખેલાડીઓની સાથે ફિઝિયોલોજિસ્ટને મોકલશે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફની પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સાથેની બેઠક બાદ જ લેવામાં આવશે.


બાબર હાલમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દબાણનો સામનો કરવા માટે, મનોવૈજ્ઞાનિકની નિમણૂક પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. તે ટીમની સાથે પડોશી દેશમાં જશે અને નિર્ણાયક ક્ષણો પર ખેલાડીઓના મનોબળને વધારવામાં મદદ કરશે. 


વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે


વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. મેગા ઈવેન્ટમાં કુલ 48 મેચો રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પણ આમને-સામને થશે. વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બર, રવિવારે રમાશે. ટુર્નામેન્ટ માટે કુલ 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.