ICC ODI Rankings, Babar Azam: આગામી દિવસોમાં એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એશિયા કપ 2023ની શરૂઆત થઇ રહી છે. આ વખતે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાવવાનો છે. એશિયા કપ 2023 પહેલા ભારત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, હાલમાં પાકિસ્તાન ટીમ અને ટીમના કેપ્ટન બાબર આઝમ ખૂબ જ સારી લયમાં જોવા મળ્યા હતા. ટીમ અને કેપ્ટન બંનેએ ICC ODI રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. પાકિસ્તાને ત્રણ મેચની વનડે સીરીઝમાં અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું, આ પછી પાકિસ્તાન રેન્કિંગમાં આગળ વધ્યું. આ સાથે જ કેપ્ટન બાબર વનડેમાં પહેલાથી જ નંબર વન પર છે.
ICC વનડેની ટોપ-5 રેન્કિંગમાં માત્ર એક ભારતીય શુભમન ગીલ સામેલ છે. ગીલ રેન્કિંગમાં ચોથા નંબર પર છે. તો વળી બીજીબાજુ બાબર આઝમની વાત કરીએ તો તે 880 રેટિંગ સાથે નંબર વન પર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના રાસી વાન ડેર ડુસેન 777 રેટિંગ સાથે બીજા, પાકિસ્તાનના ઇમામ-ઉલ-હક 752 રેટિંગ સાથે ત્રીજા, શુભમન ગીલ 743 રેટિંગ સાથે ચોથા અને પાકિસ્તાનના ફખર ઝમાન 740 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.
ICC ODI રેન્કિંગની ટોપ-5 યાદીમાં ત્રણ પાકિસ્તાની, એક ભારતીય અને 1 દક્ષિણ આફ્રિકાનો ખેલાડી હાજર છે, એટલે કે ODI રેન્કિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓનો દબદબો છે. બીજીબાજુ ટોપ-10માં જોવામાં આવે તો ભારતીય સુપરસ્ટાર વિરાટ કોહલી 705 રેટિંગ સાથે 9મા સ્થાને છે. આનાથી આગળ જોવા જઈએ તો વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા 693 રેટિંગ સાથે રેન્કિંગમાં 11માં નંબર પર છે.
વનડે રેન્કિંગમાં નંબર વન બની પાકિસ્તાની ટીમ -
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને વનડે સીરીઝમાં 3-0થી હરાવીને પાકિસ્તાન ODIમાં નંબર વન ટીમ બની ગયું છે. આ વખતે એશિયા કપ પણ ODI ફોર્મેટમાં રમાશે. આવામાં પાકિસ્તાન માટે વનડેમાં આ એક મોટી ઉપલબ્ધિ છે. વળી, ODI રેન્કિંગમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાથી એક પગલું નીચે છે. ત્યારબાદ ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડ અને પાંચમા નંબર પર ઈંગ્લેન્ડનો કબજો છે.