SL vs BAN: વર્લ્ડ કપની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 49.3 ઓવરમાં 279 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે સાત વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.
બાંગ્લાદેશે 280 રનનો ટાર્ગેટ 41.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશનો નેટ રન રેટ વધશે. બાંગ્લાદેશ માટે આ જીત ઘણી મહત્વની છે. બાંગ્લાદેશ તરફથી શાન્ટોએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. જ્યારે શાકિબ અલ હસને 82 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી મધુશંકાએ સર્વાધિક 3 વિકેટ લીધી હતી.
શ્રીલંકાની ઈનિંગ્સ 49.3 ઓવરમાં 279 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે બાંગ્લાદેશને જીતવા માટે 280 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 105 બોલમાં 108 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય શોરીફુલ ઈસ્લામ અને શાકિબ અલ હસનને 2-2 સફળતા મળી છે. મહેંદી હસન મિરાજે 1 વિકેટ લીધી હતી.
એન્જેલો મેથ્યૂઝ ટાઉમ આઉટ થયો
આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં અત્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ હતી, આ મેચમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. આ મેચ દરમિયાન એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યુ. ખરેખરમાં, શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી. વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે ક્રિકેટ મેચ રમી રહી છે, આ મેચમાં જોરદાર ઘટના ઘટી છે, જેને તમામ દિગ્ગજોને ચોંકાવી દીધા, શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. એન્જેલો મેથ્યૂઝ એક પણ બૉલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.