ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પાકિસ્તાન સામે તાજેતરમાં પૂર્ણ થયેલી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલી ICC બેટિંગ ટેસ્ટ રેન્કિંગમાં ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા અને ટ્રેવિસ હેડને ઉસ્માન ખ્વાજાએ પાછળ છોડી દીધા હતા. તેણે છ ક્રમની છલાંગ લગાવી સાતમા સ્થાન પર પહોંચી ગયો છે. ભારતના રોહિત શર્મા અને કોહલી એક સ્થાન નીચે અનુક્રમે આઠમા અને 10મા સ્થાને આવી ગયા છે, જ્યારે પંત તાજેતરની રેન્કિંગ યાદીમાં ટોપ-10માંથી બહાર થઈને 11મા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાન સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ખ્વાજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે પાંચ ઇનિંગ્સમાં 165.33ની સરેરાશથી 496 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનનો અબ્દુલ્લા શફીક સિરીઝમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તે 22 સ્થાન આગળ વધીને ટોપ-40માં પહોંચી ગયો છે, જ્યારે મોહમ્મદ રિઝવાન આઠ સ્થાન સરકીને 19મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન આ યાદીમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ બીજા અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન ત્રીજા સ્થાન પર છે.
ઓલરાઉન્ડરોમાં ભારતના રવિન્દ્ર જાડેજાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન બીજા નંબરે છે. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કાઈલ મેયર્સે 29 સ્થાનની છલાંગ લગાવીને 11મા ક્રમે પહોંચ્યો છે.
બોલરોમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પ્રથમ સ્થાન પર છે. અશ્વિન અને જસપ્રિત બુમરાહ અનુક્રમે બીજા અને ચોથા સ્થાને છે. પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ ન્યૂઝીલેન્ડના કાઇલ જેમિસનને પાછળ છોડીને પાંચમું સ્થાન મેળવ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક ચાર સ્થાનની છલાંગ લગાવીને 11માં સ્થાને પહોંચી ગયો છે.
વન-ડેમાં બોલરોમાં એડમ ઝમ્પાએ તાજેતરની ICC ODI રેન્કિંગમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ચાર સ્થાનની છલાંગ લગાવીને 8માં નંબરે છે, જ્યારે તસ્કીન અહેમદ 15 સ્થાનની છલાંગ લગાવીને 33માં નંબરે છે.
બાંગ્લાદેશનો તમીમ ઈકબાલ બેટિંગ રેન્કિંગમાં 20માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક રોહિત શર્માને પાછળ છોડીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. બાબર આઝમ, ટ્રેન્ટ બોલ્ટ અને શાકિબ અનુક્રમે બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડરોની યાદીમાં ટોચ પર છે.