IPL 2022 : IPL અને ટીમ ઈન્ડિયામાં સતત અવગણના કરવામાં આવતા કુલદીપ યાદવે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ 2022ની મેચમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપ યાદવે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, અનમોલ પ્રીત સિંહ અને કિરોન પોલાર્ડને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવને આ વર્ષે દિલ્હી કેપિટલ્સ ટીમે 2 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે કુલદીપ યાદવને મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમના મુખ્ય સ્પિનર ​​તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક આપી અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. 


અગાઉ, કુલદીપ યાદવ KKR ટીમનો ભાગ હતો, જ્યાં તેને હંમેશા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો અને તેની પ્રતિભા વેડફાઈ ગઈ હતી. કુલદીપ યાદવે જૂની ટીમ શાહરૂખની KKR સામે ગંભીર આક્ષેપ કર્યા. 


શાહરૂખની KKR સામે ગંભીર આક્ષેપ કર્યા 
મુંબઈ ઈન્ડિયન્સ સામેના શાનદાર પ્રદર્શન બાદ કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે કુલદીપ યાદવ સાથે રમતા તેના સાથી ખેલાડી અક્ષર પટેલે KKR ટીમ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અક્ષરને કુલદીપના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “આ બધું માનસિકતા સાથે જોડાયેલું છે. તે IPLમાં સંઘર્ષ કરી રહ્યો હતો, કારણ કે KKR ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત ન હતું. તેને ખાતરી નહોતી કે તે તેની તમામ મેચ રમશે.


કુલદીપ  ફરી ફોર્મમાં આવ્યો 
અક્ષર પટેલે કહ્યું, 'કુલદીપ યાદવને હવે લાગે છે કે દિલ્હી કેપિટલ્સ ટીમમાં આવ્યા બાદ તે દરેક મેચમાં રમી શકશે. જો તમને ખબર હોય કે તમારું સ્થાન સુરક્ષિત છે તો તમે તમારું સર્વશ્રેષ્ઠ આપી શકો છો, અને બે મેચમાં ખરાબ પ્રદર્શન પછી તેને બહાર કરવામાં આવશે નહીં. પોન્ટિંગ અને કેપ્ટન ઋષભ પંતે  કુલદીપ યાદવનું સમર્થન કર્યું, જેથી તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.