ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે  વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે વિકેટકીપ બેટ્સમેન લોકેશ રાહુલને એક સ્થાનનો ફાયદો મળ્યો છે. તે છઠ્ઠા સ્થાન પર પહોંચ્યો છે.


 કોહલીના 762 પોઇન્ટ છે અને તે ઈંગ્લેન્ડના ડેવિડ મલાન (888 અંક) જ્યારે ઓસ્ટ્રેલિયાના વન-ડે અને ટી-20નો કેપ્ટન એરોન ફિન્ચ (830અંક) ત્યાર બાદ પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ (828અંક) અને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે (774અંક)થી પાછળ છે. લોકેશ રાહુલ 743 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ એક નંબરની છલાંગ લગાવી સાતમા સ્થાન પર પહોંચ્યો છે. રાહુલ અને કોહલી ટોચના 10માં સામેલ બે ભારતીય બેટ્સમેન છે. જ્યારે કોઇ પણ ભારતીય ખેલાડી ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં બોલરો અને ઓલરાઉન્ડરની ટોપ-10ની યાદીમાં સામેલ થઇ શક્યો નથી.


જ્યારે આઇસીસી વન-ડે રેન્કિંગમાં કોહલી અને રોહિત શર્મા ટોચ પાંચમાં સ્થાન મેળવી શક્યા છે અને બાબર આઝમ બાદ ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 865 પોઇન્ટ સાથે વન-ડે રેન્કિંગમાં પ્રથમ નંબર પર છે. ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ટોપ 10 બોલરોમાં સામેલ છે અને તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની યાદીમાં નવમા સ્થાન પર છે.



ઇગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ શ્રીલંકા વિરુદ્ધની ત્રણેય મેચની આઇસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગ સીરિઝમાં શાનદાર પ્રદર્શનના આધારે પોતાના કરિયરમાં સર્વશ્રેષ્ઠ ત્રીજા રેન્કિંગ પર પહોંચી ગયા છે. ઇગ્લેન્ડના અન્ય ઝડપી બોલર ડેવિડ વિલી અને ટોમ કરનને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. વિલી 13 સ્થાનનો ફાયદો થયો જેથી 37માં અને કારેન 20 સ્થાનનો ઉછાળો મેળવી 68માં સ્થાને છે. વન-ડેમાં ઝડપી બોલરોની રેન્કિંગમાં ન્યૂઝિલેન્ડના ટ્રેટ બોલ્ટ 737 પોઇન્ટ સાથે પ્રથમ , બાંગ્લાદેશનો મહેંદી હસન 713 પોઇન્ટ સાથે બીજા અને વોક્સ 711 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે.