નવી દિલ્હીઃ આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2007ની ફાઇનલ ઓવરના હીરો જોગિંદર શર્માને આઇસીસીએ સલામ કર્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જોગિંદર શર્માને કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં ફરજ બજાવવા બદલ સલામ કર્યા છે. કોરોનાની જંગમાં કેટલાક ભારતીય ખેલાડીઓ પોતાની ફરજ નિભાવતા રસ્તા પર ઉતરીને લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે.
આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરતા જોંગિંદર શર્માએ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. જોગિંદર શર્મા હરિયાણા પોલીસમાં ડિપ્ટી સુપરિટેન્ડેડ છે અને હાલમાં કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. ટી-20 વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ અંતિમ ઓવર ફેંકનાર જોગિંદર શર્મા પોલીસ ડ્યૂટી કરી રહ્યો છે.
આઇસીસીએ પણ જોગિંદર શર્માના વખાણ કર્યા હતા અને ટ્વિટમાં લખ્યું કે, 2007: ટી-20 વર્લ્ડકપ હીરો, 2020: દુનિયાનો રિયલ હીરો. જોગિંદર શર્માએ કહ્યું કે હું 2007થી હરિયાણા પોલીસમાં ડીએસપી છું. આ સમયે એક અલગ પ્રકારનો પડકાર છે. અમારી ડ્યૂટી સવારે છ વાગ્યે શરૂ થાય છે જેમાં લોકોને જાગરૂક કરવા, બંધનું પાલન કરાવવું અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનું સામેલ છે.